ટ્રેક્ટરની ટ્રોલીની ટક્કરે રિક્ષામાં સવાર મહિલા મુસાફરનું મોત

- પેટલાદ તાલુકાના ઘૂંટેલી ગામ પાસે
- અન્ય ઈજાગ્રસ્ત મહિલા મુસાફર સારવાર હેઠળ અકસ્માત બાદ ટ્રેક્ટર મૂકી ચાલક ફરાર
પેટલાદ તાલુકાના રાવલી ગામે રહેતા રિક્ષા ડ્રાઈવર શારીકમિયાં હબીબમીયા મલેક ગતરોજ પિતાને લઈ રિક્ષામાં પેટલાદ જતા હતા. રસ્તામાં બાનીમિયા જહીરમિયા મલેક અને રિયાનાબાનુ ફિરોજમિયા મલેકને રવિપુરા ચોકડી ખાતે જવું હોવાથી બંને મહિલાઓ પણ રિક્ષામાં સવાર થઈ હતી. રીક્ષા ઘૂંટેલી ગામના સ્મશાન નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે પૂરઝડપે ટ્રોલી સાથેના ટ્રેક્ટરના ચાલકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષાનો આગળનો કાચ તૂટી ગયો હતો. રિક્ષામાં સવાર રિયાનાબાનું (ઉં.વ.૪૦) તેમજ હબીબ મિયાને માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જાણ થતા ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે રિયાનાબાનુને તપાસીને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટરને ઘટના સ્થળે બિનવારસી હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મહેળાવ પોલીસે ટ્રેક્ટરચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









