Get The App

ગોંડલમાં પૈસા ઉપાડવા ગયેલા મહિલા કર્મચારી સાથે ઠગાઇ

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
ગોંડલમાં પૈસા ઉપાડવા ગયેલા મહિલા કર્મચારી સાથે ઠગાઇ 1 - image

ATM મશીનમાં પૈસા ઉપાડવામાં મદદના બહાને ફ્રોડ : રૂપિયા ઉપાડી દઉં કહી ગઠિયાએ ATM કાર્ડ બદલી નાખ્યું : પોલીસમાં ફરિયાદ નોંધાઇ

ગોંડલ, : ગોંડલમાં કડિયા લાઇન પાસે એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવા માટે ગયેલા નગરપાલિકાના મહિલા કર્મચારીને રૂપિયા ઉપાડવા મદદ કરવાના બહાને ગઠિયાએ કાર્ડ બદલી રૂા. 40,00 ઉપાડી લઇ છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ગોંડલમાં બાપા સીતારામ ચોક પાસે મોહન પાર્કમાં રહેતા અને નગરપાલિકામાં નોકરી કરતાં રશીલાબેન કાંતીભાઇ રૈયાણી (ઉ.વ. 57)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ કડિયા લાઇન પાસે એસ.બી.આઇ.ના એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા માટે ગયા હતાં. થોડીવાર બાદ વારો આવતા તેમણે કાર્ડ મશીનમાં નાખી પૈસા ઉપાડવાની ટ્રાય કરી હતી પરંતુ પૈસા ઉપડયા ન હતાં. દરમ્યાન પાછળથી એક અજાણ્યા શખ્સે તેની પાસે આવી કહ્યું કે, તમારૂ એ.ટી. એમ. કાર્ડ આપો તમને પૈસા ઉપાડી દઉં, જેથી તેણે તેને કાર્ડ આપતા ત્રણેક વખત ટ્રાય કરતા પૈસા ન ઉપડતા કાર્ડ આપીને જતો રહ્યો હતો.

ત્યારબાદ તેણે બેંકમાં જઇ તપાસ કરતાં તેની પાસેનું એ.ટી.એમ કાર્ડ બીજા કોઇ વ્યક્તિનું હોવાની ખબર પડી હતી. દરમ્યાન તેના ખાતામાંથી રૂા. 40,000 ઉપડયા હોવાનો  મોબાઇલ ફોનમાં મેસેજ આવ્યો ત્યારે પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની ખબર પડી હતી.