Gujarat

રૃપાલના ખેડૂતને રૃપિયા ડબલ કરવાની લાલચ આપી રૃપિયા ૧૫ લાખ પડાવ્યા

By GS TEAM
13 Mar 20262 mins read
રૃપાલના ખેડૂતને રૃપિયા ડબલ કરવાની લાલચ આપી રૃપિયા ૧૫ લાખ પડાવ્યા

સાધુના સ્વાંગમાં ગઠિયાઓનો તરખાટ

પહેલા ૫૦ હજારના ડબલ કરી વિશ્વાસ જીત્યોપછી ૧૫ લાખ લઈ બાવાજી રફુચક્કર ઃ પોલીસમાં ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગરના રૃપાલ ગામના એક ખેડૂત સાથે પૈસા ડબલ કરવાની લાલચ આપી ૧૫ લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કથિત બાવાજી અને તેના સાથીદારે આશીર્વાદ આપવાના બહાને ખેડૂતનો વિશ્વાસ જીતી મોટી રકમ પડાવી લીધી હતી. આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હાલમાં નવી નવી મોડસ ઓપરેન્ડી બનાવીને લોકો સાથે છેતરપિંડી કરતાં ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આ વખતે સાધુના સ્વાંગમાં આવેલા ગઠિયાઓએ રૃપાલ ગામના ખેડૂતને છેતર્યા હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રૃપાલ ગામમાં રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા દિનેશજી પથુજી ચાવડા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ગત જુલાઈ ૨૦૨૫માં તેઓ જ્યારે એક્ટિવાની નંબર પ્લેટ નંખાવવા નારદીપુર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રૃપાલ-નારદીપુર રોડ પર જોગણી માતાના મંદિર પાસે એક સફેદ ગાડીમાં બે શખ્સોએ તેમને ઉભા રાખ્યા હતા. ગાડીમાં ડ્રાઈવરની બાજુમાં બેસેલા એક નગ્ન બાવાજીએ તેમને આશીર્વાદ રૃપે રુદ્રાક્ષનો મણકો અને ૫૦૦ આપ્યા હતા. ત્યારબાદ બાવાજીએ ખેડૂત પાસે રહેલા ૫૦,૦૦૦ ડબલ કરી આપવાનું કહી વિશ્વાસ જીતવા માટે તે પૈસા રૃમાલમાં વીંટીને પરત આપી દીધા હતા. આ નાની રકમના ડબલ થવાની લાલચમાં આવીને ખેડૂત તેમની જાળમાં ફસાઈ ગયા હતા. થોડા દિવસો પછી ખેડૂતને ફોન કરીને ૧૫ લાખ લઈને બાલાસિનોર બોલાવ્યા હતા. ખેડૂતે પોતાના બેંક ખાતામાંથી ૧૦ લાખની એફ.ડી. તોડી અને બાકીના ૫ લાખ ગામમાંથી ઉછીના લાવી કુલ ૧૫ લાખ ભેગા કર્યા હતા. ૫ જુલાઈ ૨૦૨૫ના રોજ ખેડૂત તેના મિત્ર સાથે બાલાસિનોર પહોંચ્યા, જ્યાં આરોપી રાજેશનાથે પૈસા ચાર ગણા કરી આપવાનો વાયદો કરી ૧૫ લાખ ભરેલો એલ્યુમિનિયમનો ડબો લઈ લીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘણી તપાસ અને ફોન કરવા છતાં તેમનો પતો લાગ્યો ન હતો. દરમિયાન, ખેડૂતે ઓનલાઇન ન્યૂઝમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડેલા એક છેતરપિંડી કરનાર શખ્સનો ફોટો જોયો હતો જે આ જ બાવાજી રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી, રહે. કપડવંજ હોવાનું ઓળખાઈ આવ્યું હતું. આથી ખેડૂતે આખરે પેથાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.