ચોટીલા-થાન રોડ પર જામવાળી ગામ પાસેથી એક ડમ્પર અને લોડર ઝડપાયું
- ગેરકાયદેસર ખનન કરેલ સેન્ડ સ્ટોનનું વહન કરતા બન્ને વાહનો સહિત કુલ રૂા. 35 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ સહિત ખનીજ સં૫તિનું ખનન અને વહન થતું હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠવા પામે છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી અને તેમની ટીમે થાન તાલુકામાં ગેરકાયદેસર ખનીજચોરી અંગે ચેકીંગ હાથધર્યું હતું જેમાં ચોટીલા-થાન રોડ પર જામવાળી ગામ પાસેથી ગેરકાયદેસર સેન્ડ સ્ટોનનું વહન કરતા વાહનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા અને તેમની ટીમે ગેરકાયદેસર ખનીજ સંપતિનું ખનન અને વહન રોકવા ચેકીંગ હાથધર્યું હતું જેમાં ચોટીલા-થાન રોડ પર જામવાળી ગામ પાસેથી અગાઉથી ગેરકાયદેસર સેન્ડ સ્ટોનનું ખોદકામ કરેલ હતું તે જગ્યાએથી સેન્ડ સ્ટોન ભરવાની કામગીરી કરતું એક લોડર અને ડમ્પર સહિત કુલ રૂા.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યારે ડમ્પર તેમજ લોડરના માલીક જેમાભાઈ ગોપાભાઈ જેજરીયા રહે.અભેપરવાળા સામે નિયમો મુજબ કાર્યવાહી હાથધરવામાં આવી હતી. જ્યારે રજાના દિવસે ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા રેઈડ કરતા ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.