વડોદરા,સમા રોડ પાસે મોડીરાત્રે દારૃનો નશો કરીને નીકળેલા કારચાલકે બે ટુ વ્હિલર ચાલકને ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.લોકોએ નશેબાજ કારચાલકને પકડી સમા પોલીસને સોંપી દીધો હતો.
મોડીરાત્રે પોણા એક વાગ્યે સમા પોલીસને એક નાગરિક કોલ કરીને જાણ કરી હતી કે, સમા મેકડોનાલ્ડ નજીક અકસ્માત થયો છે. જેથી, પોલીસની ટીમે સ્થળ પર જઇને તપાસ કરતા કાર અને બે બાઇક વચ્ચે અકસ્માત થયો હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, કારચાલકે પૂરઝડપે કાર દોડાવી બે બાઇક ચાલકને અડફેટે લીધા હતા. કારચાલકે પોતાનું નામ સાહીલ ગણપતભાઇ ચૌહાણ (રહે. ઝવેરીપુરા ફળિયું, કોયલી) હોવાનું જણાવ્યું હતું. તેણે દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે. અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત ચિરાગ વિનોદભાઇ પટેલે (રહે. રાજેશ્વર રેસિડેન્સી, હરણી) સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ચિરાગ અને તેના મિત્ર વિનાયક ઉત્તમરાવ પગારે (રહે. ઉમંગ વિલા ફ્લેટ, સમા) ને ઇજા થઇ હતી.


