Get The App

વઢવાણ ગેબનશાપીર પાસે કાર ચાલકે નશાની હાલતમાં બાઈક સહિત 3 વાહનને અડફેટે લીધા

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
વઢવાણ ગેબનશાપીર પાસે કાર ચાલકે નશાની હાલતમાં બાઈક સહિત 3 વાહનને અડફેટે લીધા 1 - image


બેફામ બની વાહન હંકારતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માંગ

બાળકી સહિત ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયાઃ આરોપી પોલીસ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીનો સંબંધી

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર શહેરના વઢવાણ વિસ્તારમાં ગેબનશાપીર સર્કલ પાસે મંગળવારે રાત્રે પુરપાટ ઝડપે કાર ચાલકે બેથી ત્રણ વાહનોને અડફેટે લેતા અકસ્માત તેમજ હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જે બનાવને પગલે લોકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા અને અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી પાડી બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી જે મામલે મોડી રાત્રે બી-ડિવીઝન પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથધરી છે.

વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે મંગળવારે રાત્રે પુરપાટ ઝડપે કારના ચાલકે કાર ચલાવી એક બાઈક સહિત બેથી ત્રણ અલગ-અલગ વાહનોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર એક બાળકી, મહિલા અને પુરૃષ સહિત ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે વાહન ચાલકો સહિત સ્થાનિકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા અને અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી લઈ મેથીપાક ચખાડયો હતો. બનાવ અંગે બી-ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી 

પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર કાર ચાલક વઢવાણના મેમકા ગામે રહેતો રણજીતભાઈ કાંતિલાલ મકવાણા હતો અને દારૃ પીધેલી હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું. આ અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કર્યો હતો તેમજ કારચાલકને બી-ડિવીઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.

અકસ્માતના બનાવથી ભોગ બનનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો અકસ્માતને જોનાર પ્રત્યક્ષદર્શીઓ સહિત લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને કાર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

પોલીસ પહોંચે તે પહેલા કારમાંથી દારૃ સગેવગે કરાયો

અમુક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અકસ્માત બાદ કારની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૃ પણ મળી આવ્યો હતો. જે મુદ્દામાલ પોલીસ આવે તે પહેલા જ સગેવગે કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે લોકમુખે થતી ચર્ચા મુજબ અકસ્માત સર્જનાર કાર ચાલક પોલીસ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીના સબંધી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા આ અંગે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.

પોલીસ અકસ્માત સર્જનાર કાર ચાલક સામે માત્ર પીઘેલાની ફરિયાદ નોંધી

વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે કાર ચાલકે બાઈક સહિત વાહનોને અડફેટે લેતા ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી તેમ છતાં બી-ડિવીઝન પોલીસે અકસ્માતની ગંભીરતા નહીં દાખવી કાર ચાલક સામે માત્ર પીધેલાનો ગુનો દાખલ કરતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.  


Tags :