વડોદરા રેલવે સ્ટેશન પાછળ લલિતા ટાવર નજીક આગમાં એક ડઝન વાહનો ખાક
વડોદરાઃ વડોદરા રેલવે સ્ટેશન પાછળ પાર્ક કરેલા વાહનોમાં આગ લાગતાં એક ડઝન જેટલા વાહનો ખાક થઇ ગયા હતા.અકોટા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
લલિતા ટાવર નજીક એક ગેરેજ નજીક ગઇરાતે પાર્ક કરેલા વાહનોમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.એકાએક લાગેલી આગમાં વાહનો લપેટાતાં લોકો જાગી ગયા હતા.
બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં વડીવાડીની ટીમે દોઢ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.આગમાં ચાર ટેમ્પા અને આઠ ટુવ્હીલર ખાક થયા હોવાની માહિતી મળી છે.
બનાવને પગલે અકોટા પોલીસ દોડી આવી હતી અને ફોરેન્સિકની મદદ લઇ બનાવની તપાસ હાથ ધરી છે.પોલીસે સીસીીટીવી ફૂટેજ પણ મેળવવા તજવીજ કરી છે.
અગાઉ પણ રાત્રિના સમયે વાહનોમાં આગના બનાવો બન્યા હતા
શહેરમાં રાત્રિના સમયે વાહનોમાં આગ લાગવાના વારંવાર બનાવો બની રહ્યા છે. અગાઉ દાંડિયાબજાર,ચોખંડી,તાંદલજા જેવા વિસ્તારોમાં વાહનોમાં આગના બનાવ બન્યા હતા.જે બનાવોમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું તારણ જણાયું હતું.ગઇરાતે અકોટા બ્રિજ પાસે એક ડઝન જેટલા વાહનોમાં આગ લાગવાનું કારણ પોલીસ તપાસમાં બહાર આવશે.