Get The App

સેક્ટર-૨૧માં રહેતા ડોક્ટર અને કલોલનો યુવાન કોરોના સંક્રમિત

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
સેક્ટર-૨૧માં રહેતા ડોક્ટર અને કલોલનો યુવાન કોરોના સંક્રમિત 1 - image


ગાંધીનગર શહેર અને જિલ્લામાં વધુ બે કેસ મળ્યા

કલોલનો પોઝિટિવ યુવાન ખાનગી હોસ્પિટલમાં દાખલઃડોક્ટર હોમ આઇસોલેશનમાંઃકુલ ૧૩ કેસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે પ્રસરી રહ્યું છે. ગઇકાલ સુધી અગિયાર પોઝિટિવ દર્દીઓ હતા જેમાં આજે બે દર્દીનો ઉમેરો થયો છે. સે-૨૧માં રહેતા ડોક્ટર કોરોનામાં સપડાયા છે જ્યારે કલોલમાં રહેતો યુવાન પણ કોરોનાથી સંક્રમિત થયો છે. આ બન્ને પોઝિટિવ દર્દીઓની તબીયત સ્ટેબલ અને સુધારા ઉપર હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

ગુજરાતની સાથે સમગ્ર દેશમાં કોરોના ખુબ જ ઝડપી ફેલાઇ રહ્યો છે. મહામારી સાબિત થઇ રહેલા આ કોરોના બાબતે સરકારથી લઇને સામાન્ય વ્યક્તિ હજુ પણ ગંભીર નથી તે વચ્ચે દિવસે ને દિવસે કોરોના દર્દીઓની સંખ્યા વધતી જ જાય છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જો કે, આ તમામ દર્દીઓ પૈકી કોઇને પણ ઓક્સિજન આપવો પડે કે સઘન સારવારની જરૃર પડી હોય તેવું બન્યું નથી. ગઇકાલ સુધી ગાંધીનગરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૧ હતી જેમાં બે દર્દીઓનો આજે ઉમેરો થયો છે. આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર શહેરના સેક્ટર-૨૧માં રહેતા એક તબીબને છેલ્લા ઘણા દિવસોથી શરીરમાં દુઃખાવો તથા તાવની તકલીફ હતી તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવતા તે આજે પોઝિટિવ આવ્યો છે. તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.  તો બીજીબાજુ કલોલમાંથી વધુ એક કેસ પ્રકાશમાં આવ્યો છે. કલોલ પૂર્વમાં રહેતો ૩૪ વર્ષિય યુવાન કે જે ખાનગી નોકરી કરે છે તેને પણ શરદી-કફ સહિતની તકલીફ હતી તેને મહેસાણા ખાતે દવા ચાલતી હતી જ્યાં ડોક્ટરે તેનો કોરોના રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે આ યુવાનને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે જો કે, તેની તબીયત સારી હોવાનો તંત્રએ દાવો કર્યો છે.

Tags :