Get The App

સુરત ની એક ડોકટરે શરૂ કર્યું ગરીબ બાળકો ને ભણવાનું મિશન...

Updated: Dec 3rd, 2021

GS TEAM

Google News
Google News
સુરત ની એક ડોકટરે શરૂ કર્યું ગરીબ બાળકો ને ભણવાનું મિશન... 1 - image

-આ મિશનને ગલી સ્કૂલ, એક કદમ શિક્ષણ તરફ એવું નામ આપ્યું

પ્રતિનિધી દ્વારા,

     ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ કેમ કહેવાય છે તે વાતની સાબિતી કોરોનાના કપરા સમયમાં થઇ ગઈ છે. ત્યારે સુરતમાં એક ડોક્ટર એવા પણ છે, જે તેમના સેવાયજ્ઞ થકી માનવતાની સુવાસ ફેલાવી રહ્યા છે. સુરતના વેસુ, સિટીલાઇટ કે પાલનપુર કેનાલ રોડ વિસ્તાર કે જે પોશ વિસ્તાર તરીકે જાણીતો છે, અહીં મોટી મોટી ઇમારતો અને લક્ઝ્યુરિયસ ગાડીઓની ભરમાર રહે છે. ત્યારે આ રસ્તા પરથી પસાર થતા ફૂટપાથ પર તમને આ ડોક્ટર જોવા મળશે, જે રસ્તાની બાજુની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા ગરીબ બાળકોને અક્ષરજ્ઞાન આપી રહ્યા છે.

   સુરતના કલ્પના પરમાર કે  જે નેચરોપેથીક તબીબ છે. છેલ્લા એક વર્ષથી તેઓ મરોલીની ગ્લેર ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે. જે આવા સેવાકીય કાર્યો માટે અગ્રેસર છે. આ ફાઉન્ડેશનમાં એકાઉન્ટન્ટ, યુવાનો અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા એવા અસંખ્ય લોકો છે.કલ્પનાબેન એક પણ દિવસ ભૂલ્યા વગર પોતાની ક્લિનિક પર જતા પહેલા સવારે રોજ બે કલાક આ ગરીબ બાળકો માટે ફાળવે છે. તેઓએ આ મિશનને ગલી સ્કૂલ, એક કદમ શિક્ષણ તરફ એવું નામ આપ્યું છે.

    આ અંગે કલ્પનાબેને કહ્યું કે પાલનપુર કેનાલ રોડ કે આવા અન્ય વિસ્તારોમાં હું રોજ સવારે 8.30 થી 10.30 જેવા 2 કલાક ફાળવુ છું. જેમાં હું ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને અક્ષરજ્ઞાન આપું છું.ઘણા એવા ગરીબ બાળકો છે જે શાળાએ જતા નથી અથવા તો એવા પણ બાળકો છે, જે શાળાએ તો જાય છે પણ તેઓને કક્કાનું કે બારાખડીનું પણ અક્ષરજ્ઞાન નથી. જેઓ યોગ્ય રીતે વાંચી કે લખી પણ શકતા નથી. આવા બાળકોને આગળ વધારવા ખુબ જરૂરી છે. તેઓ ટ્યુશન પણ એફોર્ડ કરી શકતા નથી. આવા બાળકો માટે અમે કામ કરીએ છે.

        આજે તેમના પાસે 17 થી 18 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જેમને ઘટતા ચોપડા, નોટબુક કે અન્ય સ્ટેશનરી રસ્તેથી પસાર થતા લોકો જ આપી જાય છે, જે ખુબ સારી વાત છે. જોકે તેઓનું એ પણ કહેવું છે, કે આજના પ્રબુદ્ધ અને શિક્ષિત નાગરિકો જો થોડો સમય પણ આવા બાળકો માટે ફાળવે તો દેશનું ભવિષ્ય બદલી શકાય છે.