Jamnagar Crime : જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગઈકાલે બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક પાડોશીને બાજુમાં જ રહેતા એક મહિલા સહિતના પાંચ શખ્સોએ માર મારી તેના બે મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા, ઉપરાંત ગળામાં પહેરેલો સોનાનો ચેઇન ઝુંટવી લીધો હતો. જે બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર શેરી નં-2, ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સંજય જીવણભાઈ કોરિયા નામના 35 વર્ષના યુવાન પર તેના પાડોશમાં જ રહેતી પ્રેમીલાબેન, ભીમભાઈ ઉર્ફે સરપંચ, નવીનભાઈ ગોરી, અને તેની સાથેના બે અજાણ્યા સાગરીતો વગેરેએ એક સંપ કરી પોતાને મારકુટ અને તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને પાડોશી આરોપીઓ વચ્ચે અવારનવાર બોલા ચાલી અને ઝઘડા થતા હતા, જેનું મન દુઃખ રાખીને ગઈકાલે તમામ આરોપીઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને ઢીકાપાટુ નો માર મારી તેમના બે મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા, તેમજ ગળામાં પહેરેલો સોનાનો ચેઇન બળજબરીથી આંચકી લીધો હતો.આખરે આ મામલો સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પ્રેમીલાબેન નામની મહિલા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.


