Gujarat

ભ્રષ્ટાચાર અને બેદરકારીમાં વધારાનો સીધો અંજામ : ચોમાસામાં માર્ગોનો કચ્ચરઘાણ

By GS TEAM
2 Jul 20253 mins read
ભ્રષ્ટાચાર અને બેદરકારીમાં વધારાનો સીધો અંજામ : ચોમાસામાં માર્ગોનો કચ્ચરઘાણ

ડામરને ને પાણીને આડવેર એ જ માત્ર કારણ નથીઃ નિવૃત્ત અફસરે સરકારને લાલબત્તી ધરી  : અગાઉ આધુનિક ટેકનોલોજી નહોતી છતાં નેશનલ હાઈવે પર પણ વર્ષો સુધી થીગડાં મારવા નહોતા પડતા, હવે શેરીઓના રસ્તા પણ તકલાદીઃ પ્રજાને મહિનાઓ સુધી પરેશાની રહે છે

જૂનાગઢ, : ચોમાસાની સિઝનમાં મોટાભાગના રસ્તાઓની હાલત ભંગાર બની જાય છે. ચોમાસાના થોડા દિવસ પહેલા જ બનાવવામાં આવ્યા હોય તે રસ્તા પણ તૂટી જાય છે. તેમાંય, શહેરોના રસ્તા તો ઠીક, પરંતુ નેશનલ હાઈવેની પણ બદતર હાલત થઈ જાય છે. અગાઉના સમયમાં વર્ષો સુધી રસ્તાની કાંકરી પણ ઉખડતી ન હતી. ખૂદ સરકારી તંત્રનો જ હિસ્સો રહી ચૂકેલા એક નિવૃત્ત ઉચ્ચ અધિકારીએ હાલના સમયમાં વધી ગયેલા ભ્રષ્ટાચાર અને બેદરકારીને આ સ્થિતિ માટે મુખ્ય કારણભૂત ગણાવ્યા છે.

હાલના સમયમાં ટેકનોલોજીનો વિકાસ થયો છે પરંતુ કાર્યનિષ્ઠા અને સુપરવિઝન ઘટી ગયું છે. અન્યથા, ડામર કે સિમેન્ટના રસ્તા બનાવવાની કામગીરી જો પધ્ધતિસર થાય તો વર્ષો સુધી રસ્તા તૂટે નહી. કમનસીબી એ છે કે હવે ક્યાંય પણ રસ્તા બનાવવામાં નીતિ-નિયમનું પાલન થતું નથી. હાલના સમયની સૌથી મોટી રસ્તાઓની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા નેશનલ હાઈવે ઓથોરિટીના નિવૃત સુપ્રિટેન્ડિંગ એન્જીનિયરે કહ્યું હતું કે, જે- તે સમયે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે બનાવાયો તેમાં 8 વર્ષ સુધી થીગડા મારવાની પણ જરૂરિયાત ઉભી થઈ ન હતી. નેશનલ હાઈવે હોવાથી સૌથી વધુ ભારે વાહનો ચાલતા હોવા છતાં રસ્તા તૂટતા ન હતા, જ્યારે હાલના સમયમાં શેરીઓમાં બનાવવામાં આવતા રસ્તા કે જ્યાં ફોરવ્હીલથી મોટું વાહન પણ ચાલતું નથી તે રસ્તો પણ પહેલા વરસાદમાં તૂટી જાય છે.

અગાઉના સમયમાં ડામરના કોઈ પેવર પ્લાન્ટ પણ ન હતા છતાં દેશી પધ્ધતિથી કામ કરવામાં આવતું હતું અને તે કામ વર્ષો સુધી ટકતું હતું. હાલના સમયમાં આધુનિક ટેકનોલોજી હોવા છતાં દિવસે-દિવસે રસ્તા તૂટવાની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે. અગાઉ પણ થોડા અંશે ભ્રષ્ટાચાર હતો તો ખરો જ, પરંતુ હાલના સમયમાં તે આંકડો પણ મોટો થઈ ગયો છે. અગાઉ ડામરની જે ગુણવત્તા હતી, તેના મિક્સિંગની જે પ્રક્રિયા હતી તેના કરતા આજના સમયમાં સારી એવી ટેકનોલોજી હોવા છતાં એકાદ વરસાદ સુધી પણ રસ્તા ટકતા નથી.

રસ્તા તૂટી જવાનાં મુખ્ય કારણો ડેન્સિટી- ટેમ્પ્રેચર ચેકિંગ અને યોગ્ય રોલિંગ પ્રેશરનો અભાવ કેમ્બર જળવાતું નથી, ખરા અર્થમાં ટેસ્ટિંગ થતાં નથી, માત્ર રેકર્ડ ઊભાં થાય છે

નિવૃત્ત ઓફસરે ફોડ પાડતા જણાવ્યું કે (1) જે સ્થળે રસ્તો બને તેની ડેન્સિટી માપવી પડે છે. ત્યારબાદ રસ્તાનું જે મટીરીયલથી કામ ચાલતું હોય તેની ડેન્સિટી પણ માપવી પડે છે. હાલના સમયમાં મોટાભાગે બેમાંથી એકય ડેન્સિટી માપવામાં આવતી હોય તેવું જોવા મળતું નથી. (2) વ્યવસ્થિત જરૂરિયાત મુજબનું રોલિંગ થવું જોઈએ તે થતું નથી જેના કારણે અંદરના ભાગે પોલું રહી જાય છે, પોલું રહી ગયું હોય તે ભાગ તૂટી જાય છે અને ત્યાંથી રસ્તો તૂટવાની શરૂઆત થાય છે. (3) ડામર રસ્તો બનાવવાનું કામ શરૂ થાય ત્યારે સૌપ્રથમ 165 સેન્ટીગ્રેડ ટેમ્પ્રેચરનો ડામર રસ્તા પર છટકાવ કરવાનો હોય છે. ત્યારબાદ તેના ઉપર જે લેયર આવે તેમાં પણ 110 સેન્ટીગ્રેડ ટેમ્પ્રેચરનો માલ હોય તો તે જમીનની સાથે ચિપકી જાય છે. ડામર રસ્તાનું કામ ચાલતું હોય ત્યારે તેને પણ કેટલા સેન્ટીગ્રેડ ટેમ્પ્રેચરનો માલ છે તે માપવું જોઈએ. અગાઉના સમયમાં આ ક્રાઈટેરિયાનું પાલન થતું હતું, હાલના સમયમાં માત્ર આને લગતા રેકર્ડ ઉભા થાય છે. (4) રસ્તા તૂટવાની સમસ્યામાંથી મુક્તિ મેળવવી હોય તો તેના નિયમોનું પાલન કરવું જરૂરી છે. ડામરના છંટકાવ બાદ તેના પર જે મટિરિયલ પાથરવામાં આવે તેના પર પૂરતાં પ્રેશરથી રોલિંગ પ્રેશર કરવું જોઈએ. (5) કેમ્બર અચૂક જાળવવો જોઈએ. કેમ્બર એટલે કે જે રસ્તા પર ડામરનું કામ કરવાનું હોય તેની મધ્યમાંથી બંને સાઈડ ઢાળ રાખવો ફરજિયાત છે. મધ્ય લેવલથી બંને સાઈડના છેડે અઢી ટકાનો ઢાળ હોવો જોઈએ. ઢાળ પૂર્ણ થયા બાદ બાકી રહેતા રસ્તા પર પાણી ન ભરાય તેવી વ્યવસ્થા જરૂરી છે. આવું કરવાથી ડામરના રસ્તા પર પાણી ભરાય નહીં અને રસ્તો તૂટે નહી. પરંતુ, હાલના સમયમાં કેમ્બર જાળવવામાં આવતું નથી જેથી રસ્તા પર પાણી ભરાઈ જાય છે અને તે રસ્તો તૂટી જાય છે.