Gujarat

ગણપતપુરામાં સંકષ્ટ ચતુર્થી અને રવિવારના સંયોગે ભક્તોની ભીડ ઉમટી

By GS TEAM
6 Apr 20261 min read
ગણપતપુરામાં સંકષ્ટ ચતુર્થી અને રવિવારના સંયોગે ભક્તોની ભીડ ઉમટી

- મંદિર પરિષદ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠયું

- વહેલી સવારથી દાદાના દર્શને માનવ મહેરામણ ઉમટયું : હજારો શ્રદ્ધાળુઓએ ફરાળી પ્રસાદનો લાભ લીધો

બગોદરા : ધોળકાના ગણપતપુરા (કોઠ) ખાતે સંકષ્ટ ચતુર્થી અને રવિવારના ત્રિવેણી સંગમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા ગરમીને ધ્યાનમાં રાખી છાંયડા, ઠંડા પાણી અને ખાસ ફરાળી પ્રસાદની સુંદર વ્યવસ્થા કરાઈ હતી.

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણપતપુરા (કોઠ) ખાતે આજે સંકષ્ટ ચતુર્થી અને રવિવારના વિશેષ સંયોગને પગલે વહેલી સવારથી જ ભક્તોનું મહેરામણ ઉમટી પડયું હતું. શ્રદ્ધાળુઓએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી મનોકામના પૂર્ણ કરવા 'ઊંધુ સ્વસ્તિક' કરી ધન્યતા અનુભવી હતી. વધતી ગરમીને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે મંડપ, કુલર અને પીવાના શુદ્ધ પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ચોથના ઉપવાસ હોવાથી મંદિરના ભોજનાલયમાં હજારો ભક્તો માટે ગરમાગરમ ફરાળી કઢી અને મોરૈયાના પ્રસાદનું આયોજન કરાયું હતું. સ્વયંભૂ પ્રગટ થયેલી ગણપતિજીની ચમત્કારી મૂતના દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓના નાદથી સમગ્ર સંકુલ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠયું હતું. વહીવટી તંત્ર અને ટ્રસ્ટના સહયોગથી દર્શન વ્યવસ્થા ખૂબ જ સુચારૂ રીતે સંપન્ન થઈ હતી.