જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક બે બાઈક સામસામે ટકરાતાં એક દંપત્તિ ઘાયલ
જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક બે મોટરસાયકલ સામસામે અથડાઈ પડ્યા હતા. જે અકસ્માતમાં એક બાઈક માં જઈ રહેલા દંપત્તિને નાની મોટી ઈજા થવાથી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે, જ્યારે અન્ય બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાગનાથ ગેઇટ નજીક મહેશ્વરી નગર વિસ્તારમાં રહેતા હિતેશભાઈ હિરજીભાઈ ચાવડા (37) જેઓ ગઈકાલે સવારે 9:30 વાગ્યાના અરસામાં પોતાના પત્ની નિમુબેન (ઉંમર વર્ષ 35)ને બાઇકમાં પાછળ બેસાડીને ગુરુદ્વારા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે સમયે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા જીજે 10 ડી.એચ. 2903 નંબરના બાઈકના ચાલકે ઠોકરે ચડાવતાં બાઈક સવાર યુવાન અને તેના પત્ની નિમુબેન બંનેને નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે જયારે બાઈક ચાલક સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.