Get The App

વડોદરાના દંપતી કરી રહ્યા છે ફાલસાની ખેતી, દેશભરમાંથી આવે છે ઓર્ડર

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના દંપતી કરી રહ્યા છે ફાલસાની ખેતી, દેશભરમાંથી આવે છે ઓર્ડર 1 - image


Vadodara : ઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ બજારમાં ફાલસા નામનું નાનકડું ફળ જોવા મળે છે. ફાલસા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તેને ખાવાથી અનેક ફાયદા થતા હોય છે. આ ફાલસા વડોદરામાં આયાત કરવામાં આવતા હતા, હવે સ્થિતિ એ છે કે વડોદરા એનું ઉત્પાદન કરી તેની નિકાસ કરી રહ્યું છે, ફાલસાની ખેતી હવે વડોદરા જિલ્લામાં પણ જોવા મળી છે.

વડોદરા જિલ્લાના સાવલીથી ભાદરવા તરફ જતા વચ્ચે વાંકાનેર ગામ આવે છે. આ ગામમાં રંગતીર્થ ફાર્મ આવેલું છે, જ્યાં ફાલસાની ખેતી વડોદરા શહેરના કવિ દંપતી કરી રહ્યા છે. શ્યામભાઇ ઉપાધ્યાય અને તેમના પત્ની અઢી વીઘા જમીનમાં ફાલસાની ખેતી કરી રહ્યા છે. શરૂઆતમાં ફાલસાના 300 છોડ ઉગાડી 70થી 80 કિલો ઉત્પાદન મેળવ્યું છે અને હવે અઢળક માંગ વધતાં વધુ 900 છોડ રોપી આગામી ઉનાળામાં 1200 છોડમાંથી ફાલસાનું ઓછામાં ઓછું 500 કિલોનું ઉત્પાદન મેળવશે. આ ફાલસાની ખેતી તેઓએ ગાય માતાના મુત્ર અને ગાય માતાના ગોબરમાંથી જાતે ખાતર અને જાતે જ દવા બનાવી 100% ઓર્ગેનિક પદ્ધતિથી કરી છે. આ ફાલસાનું વેચાણ વડોદરા, અમદાવાદ, સૌરાષ્ટ્ર, બેંગ્લોર, હૈદરાબાદ, નાગપુર, ઉદેપુર, કેનેડા, લંડન, અમેરિકા સહિત અનેક દેશ, રાજ્યો, શહેરોમાં વેચાણ કર્યું છે અને હજી પણ ખુબ મોટી સંખ્યામાં લોકોની માંગ છે. અત્યાર સુધીમાં તો માત્ર 42 હજાર જેટલી આવક અને 10 હાજરની આસપાસ ખર્ચ થયેલ છે. પરંતુ હવે 1200 છોડ રોપ્યા પછી તમામ ગ્રાહકોને સંતોષ આપશે! 

વડોદરાના દંપતી કરી રહ્યા છે ફાલસાની ખેતી, દેશભરમાંથી આવે છે ઓર્ડર 2 - image

ગાય આધારિત અને કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને ખેતી

સરકારના નિવૃત અધિકારી તથા હાલ સાહિત્યસર્જક સાથે કેરી અને ફાલસાની ખેતી કરી રહેલા શ્યામ ઉપાધ્યાય અને કનકલતા ઉપાધ્યાયે જણાવ્યું કે, વર્ષ 2020માં આ જમીન અમે ખરીદી અને સૌપ્રથમ એને ફળદ્રુપ બનાવી. ઓર્ગેનિક ખેતીના કોન્સેપ્ટ સાથે વિવિધ આંબા રોપ્યા અને સહાયક તરીકે ફાલસાની ખેતી પણ કરી. ગાય આધારિત અને કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને અમે ખેતી કરી રહ્યા છે. અમારી ત્રણ વીઘા જમીનમાંથી અત્યારે અઢી વીઘા જમીનમાં ફાલસાની ખેતી કરી છે. , ફાલસાની ખેતી અઢી મહિના એટલે કે એપ્રિલ, મે અને અડધો જૂન મહિનો થતી હોય છે. આ સિવાય આખું વર્ષ લોકો ફાલસાના સ્વાદને માણી શકે એ માટે ખાસ 100% ઓર્ગેનિક ફાલસાનો પલ્પ-કોઈપણ પ્રકારના મિશ્રણ વગર બનાવીએ છે. અને આટલી મોટી સાઈઝના ફાલસા બીજે કશે નહીં જોવા મળે.

ફાલસાના અનેક ફાયદા પણ છે 

ફાલસા વિટામીન સી નો સૌથી મોટો કારક છે, ફાલસા લોહી શુદ્ધ કરે છે, એસિડિટી ઘટાડે છે, પિત્તનું શમન કરીને શરીરને ઠંડક આપે છે અને એમાં રહેલાં ખાસ કેમિકલ્સ કેન્સરના રોગ સામે રક્ષણ આપે છે. ફાલસાને ક્રશ કરીને ખડી સાકર મેળવીને બનાવેલું શરબત અનેક તકલીફોને મટાડે છે. ફાલસાની સૌથી ખાસ વાત એ છે કે, તેને ખાવાથી તરત જ શરીરને શક્તિ મળે છે. ફાલસા ઠંડકથી ભરપૂર હોય છે. તમને જણાવી દઈએ કે તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. ફાલસા ફળ ઘણા સુપ્રસિદ્ધ ફળોને પાછળ છોડી દે છે. તેનો સ્વાદ ખૂબ જ ખાટો અને મીઠો હોય છે. આ ફળ ઠંડકની સાથે સાથે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. ઘણા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેમાં વિટામિન સી સૌથી વધુ જોવા મળે છે. આ સિવાય મેગ્નેશિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ અને આયર્ન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેના સેવનથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે.

Tags :