Get The App

પાંચ વર્ષમાં એક કોન્ટ્રાકટરને ૧૭૪૦ કરોડના કામ , અમદાવાદમાં RKC ઈન્ફ્રાબિલ્ટને ૬૬૧ કરોડનાં કામ આપવા દરખાસ્ત

શહેરમાં કયાં-કેટલાં કિલોમીટરના રસ્તા બનશે કે રીસરફેસ થશે તેનો કોઈ ઉલ્લેખ એજન્ડાની દરખાસ્તમાં નથી કરાયો

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
પાંચ વર્ષમાં એક કોન્ટ્રાકટરને ૧૭૪૦ કરોડના કામ , અમદાવાદમાં RKC ઈન્ફ્રાબિલ્ટને ૬૬૧ કરોડનાં કામ આપવા દરખાસ્ત 1 - image


અમદાવાદ,શનિવાર,7 જુન,2025

ચૂંટણીનો સમય નજીક આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ રીસરફેસ કરવા, નવા રસ્તા બનાવવાના નામે કોન્ટ્રાકટરોને લહાણી કરાઈ રહી છે.સોમવારે ૯ જુનના રોજ મળનારી રોડ કમિટીની બેઠકમાં આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટ પ્રા.લી.નું રુપિયા ૬૬૧ કરોડ ઉપરાંત જી.એસ.ટી. અલગથી ચૂકવવાની શરત સાથેનું  વાર્ષિક રેટટેન્ડર મંજૂર કરવા દરખાસ્ત રજૂ કરાઈ છે.વર્ષ-૨૦૨૦માં આ કોન્ટ્રાકટરને રોડનું રૃપિયા ૪૦૦ કરોડનું કામ સિંગલ ટેન્ડરથી ૩૪ ટકા વધુ ભાવથી રુપિયા ૫૩૬ કરોડમાં અપાયુ હતુ.પાંચ વર્ષમાં એક જ કોન્ટ્રાકટરને રોડના રુપિયા ૧૭૪૦ કરોડના કામ અપાયા હોવાનો આ પહેલો બનાવ બનશે.શહેરમાં કયાં-કેટલાં કિલોમીટરના નવા રસ્તા બનશે કે રીસરફેસ થશે તેનો કોઈ ઉલ્લેખ દરખાસ્તમાં નથી કરાયો.

રોડ કમિટી સમક્ષ મુકાયેલી દરખાસ્તમાં જુદા જુદા ઝોન તથા રોડ પ્રોજેકટના રસ્તાઓને રીગ્રેડ કરી રીસરફેસ કરવા,નવા રસ્તા બનાવવા કોન્ટ્રાકટર આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટ સાથે બે વખત નેગોશીએશન કરાયા પછી અંદાજિત ભાવથી ૩૨.૨૫ ટકા વધુ ભાવના રુપિયા ૬૬૧.૨૫ કરોડના ટેન્ડરને મંજૂરી આપવા ભલામણ કરાઈ છે. આ અગાઉ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરના સમયમાં આ કોન્ટ્રાકટરને  રુપિયા ૪૦૦ કરોડના રોડના કામ રુપિયા ૫૩૬ કરોડમાં અપાયા હતા.થોડો સમય વિરોધ થયા પછી શાસક કે વિપક્ષ તમામે મૌન સેવી લીધુ હતુ. કોર્પોરેશન પાસે ઈજનેરો હોવાછતાં વર્ષ-૨૦૨૦માં તો રોડની ડીઝાઈન પણ કોન્ટ્રાકટર તૈયાર કરશે એવી શરત ટેન્ડરમાં રખાઈ હતી.વર્ષ-૨૦૨૧-૨૨માં  ચૂંટણી પછી પહેલી ટર્મમાં  આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટને રુપિયા ૫૪૩ કરોડના રોડના કામ આપવામાં આવ્યા હતા.

મકરબા પાસે ખાડામાં કાર ખાબકતા આરકેસી સામે પોલીસ ફરિયાદ થઈ હતી

વર્ષ-૨૦૨૪માં મકરબા પાસે કાર ખાબકતા કાર ચાલક ખાડામાં ગરકાવ થતા તેને ઈજા થઈ હતી.જે પછી આ સ્થળે આર.કે.સી. ઈન્ફ્રાબિલ્ટની રોડની કામગીરી ચાલતી હોવાનુ સામે આવતા પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

એપેક્ષ પ્રોટેકને ૬૩ કરોડના કામ આપવા દરખાસ્ત

રોડ કમિટીમાં નરોડા ઉપરાંત ઠકકરબાપાનગર,સરદારનગર તથા અન્ય વોર્ડમાં રોડ રીસરફેસ કરવા અને નવા બનાવવા વાર્ષિક ટેન્ડરથી  કોન્ટ્રાકટર એપેક્ષ પ્રોટેક એલએલપીના અંદાજિત ભાવથી ૨૭.૬૫ ટકા વધુ ભાવથી એટલે કે રુપિયા ૬૩.૮૨ કરોડ તથા જી.એસ.ટી. અલગથી ચૂકવવાની શરત સાથેના ટેન્ડરને મંજૂરી આપવા દરખાસ્ત મુકાઈ છે.

૫૪ ટકા કામગીરી કરનાર કોન્ટ્રાકટરને ૨૩ કરોડનો વધારો અપાશે

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં બોડકદેવ, થલતેજ, ઘાટલોડીયા સહિતના વોર્ડમાં નવા રોડ બનાવવા, રોડ રીસરફેસ કરવા વાર્ષિક ટેન્ડરથી વર્ષ-૧૯ ડિસેમ્બર-૨૪માં  અંદાજિત ભાવથી ૨૦ ટકા ભાવથી રૃપિયા ૭૭.૯૬ કરોડનુ કોન્ટ્રાકટર નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.નું ટેન્ડર મંજુર કરાયુ હતુ.હાલમાં ૫૪ ટકા કામગીરી પુરી થઈ છે.કોન્ટ્રાકટરે ટેન્ડરના મંજુર થયેલા ભાવ મુજબ ૩૦ ટકા સુધી વધુ કામગીરી કરવા સંમતિ દર્શાવી હોઈ રૃપિયા ૨૩.૩૯ કરોડ તથા જી.એસ.ટી. અલગથી ચૂકવવાની શરત સાથે રુપિયા ૧૦૧.૩૬ કરોડના રીવાઈઝ ટેન્ડરને મંજુરી આપવા રોડ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ છે.

અમદાવાદ મ્યુનિ.ને રોડ કૌભાંડ વચ્ચે જુના સંબંધ છે

        અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રોડ કૌભાંડ વચ્ચે જુના સંબંધ છે. દર વર્ષે અંદાજે રુપિયા ૩૫૦થી ૪૦૦ કરોડ રોડ રીસરફેસ કરવા ઝોન લેવલે ખર્ચ થાય છે. એટલી જ રકમ શહેરમાં નવા રોડ બનાવવા ખર્ચ થાય છે. આમ છતાં એક ઈંચ વરસાદમાં શહેરના મોટા ભાગના રસ્તા ધોવાઈ જાય છે.

- વર્ષ-૨૦૧૭માં ચોમાસામાં રુપિયા ૪૫૦ કરોડના રોડ ધોવાયા હતા

- આ જ વર્ષમાં આઈ.ઓ.સી.ના બોગસ બિલથી કોન્ટ્રાકટરોને મોટી રકમ ચૂકવાઈ હોવાનુ કૌભાંડ બહાર આવ્યુ હતુ

- ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે રોડ કૌભાંડની તપાસ થઈ હતી

- સાત એડીશનલ સીટી ઈજનેર, ૨૦ ડેપ્યુટી ઈજનેર સહિત ૧૧૦ ઈજનેર વિભાગના અધિકારી,કર્મચારીઓને રુપિયા ૧.૧૦ કરોડની પેનલ્ટી કરાઈ હતી.

એ સમયે રોડ બનાવનારા ત્રણ કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરાયા હતા

Tags :