જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા કન્સ્ટ્રક્શનના એક ધંધાર્થીને તે જ વિસ્તારમાં રહેતી એક સગીરા અને તેની માતા તથા મામાએ દુષ્કર્મ અંગેના જુના કેસમાં સમાધાન કરી લેવા માટે રૂપિયા 15 લાખની માંગણી કર્યા ની અને ચેક મારફતે રૂપિયા 25,000 પડાવી લીધાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા યુસુફભાઈ સીદીભાઈ ખીરા નામના 45 વર્ષના સુમરા વેપારી યુવાને જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં પોતાની પાસેથી જુના કેસના સમાધાન મામલે રૂપિયા 15 લાખની માંગણી કરી ધાક્ધમકી આપી અને બળજબરીપૂર્વક રૂપિયા 25,000ના ચેક લખાવી લેવા અંગે એક સગીરા અને તેની માતા તથા તેના મામા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના નાના ભાઈ સામે આજથી એક વર્ષ પહેલાં દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસ દ્વારા ફરિયાદીના નાના ભાઈની ધરપકડ કરાઈ હતી, અને જેલ હવાલે કર્યો હતો. જોકે પાછળથી તે જામીન મુક્ત થયો હતો.
દરમિયાન ભોગ બનનાર સગીરા અને તેની માતા તથા તેના મામા ત્રણેય ફરીયાદી ની ઓફિસે આવ્યા હતા, અને દુષ્કર્મ ના જુના કેસમાં સમાધાન કરી લેવું હોય તો 15 લાખ રૂપિયા આપવા પડશે, તેવી માંગણી કરી હતી. અને તેમ નહીં કરે તો નાના ભાઈને જે જામીન મળ્યા છે, તે જામીન પણ રદ કરાવી દેશે, અને ફરી જેલમાં મોકલશે, તેવી ધમકી આપી હતી. આરોપીઓ અવાર નવાર પૈસા ની માંગણી કરતા હતા, અને જો 15 લાખની રકમ નહીં આપે, તો ફરીથી દુષ્કર્મ અંગેના બીજા કેસમાં બંને ભાઈઓને ફસાવી દેશે, તેવી પણ ધમકી આપી હતી. અને બળજબરીપૂર્વક 25,000 રૂપિયાનો ચેક લખાવી લીધો હતો. અને તે રકમ બેંકમાંથી ઉપાડી લીધી હતી.
ત્યાર પછી પણ પૈસાની માંગણી અને ધાકધમકી ચાલુ રહેતાં આખરે સીટી સી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને આ ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


