કિસાનોની માંગ ઉદ્યોગોના દેવા માફ થાય તો ખેડૂતોના કેમ નહીં : જગતાતોએ રૂપાવટીથી જેતપુર સુધી બાઈક રેલી યોજી : રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ભેજવાળી ૩૦૦ મણ મગફળી ટેકાના ભાવે ખરીદવા રજુઆત કરી
રાજકોટ, : તાજેતરમાં ભારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પારાવાર નુકસાન બાબતે સરકારને ઢંઢોળવા આજે વડીયા બગસરામાં ખેતી બચાવોકાર્યક્રમ અંતગત એકત્ર થયેલા ખેડૂતોએ માથે બગડેલી મગફળીના ટોપલા લઈને મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.અને વરસાદના કારણે નષ્ટ થયેલા કપાસ,મગફળીના પાકોના ટોપલા ભરીને મામલતદારને સુપ્રત કરાાય હતા. જેતપુરમાં દસ ગામના લોકોએ રૂપાવટીથી જેતપુર સુધી બાઈક રેલી યોજી આવેદન આપ્યું હતું તો મોરબી ટંકારા જેતપુર ઉપલેટા,કોટડાસાંગાણીમાં ખેડૂતોએ આવેદન આપી જુદી જુદી માગણીઓ કરી હતી.
આજે અમરેલી જિલ્લામાં વડીયા અને બગસરામાં ખેતી બચાવો સત્યાગ્રહનામંડાણ શરૂ કરાયા હતા. આ બાબતે અમરેલી જિલ્લાના આગેવાનોએ પ્લે કાર્ડ અને બેનરો સાથે ધરણા પ્રદર્શન કરી રેલી યોજી હતી. એ પછી બળદગાડામાં બેસી મામલતદાર કચેરીએ પહોંચી ખેતીને થયેલા નુકસાનની વિગતો આપી આવેદન આપ્યું હતું. આ તકે ખેડૂતોએ માથા પર બગડેલી મગફળી અને અન્ય પાકોના ટોપલા ભરીને મામલતદાર કચેેરીએ પહોંચ્યા હતા. વડીયામા ખેડૂતોની મોટી હાજરી વચ્ચે આગેવાનોએ કહ્યું હતું કે સરકાર ઉદ્યોગોને કરોડો રૂપિયા દેવામાફી કરે છે તો ખેડૂતોને શા માટે નહીં ? બગસરામાં ધરણા થયા હતા.
રાજકોટ જિલ્લામાં જેતપુર, ઉપલેટા,કોટડાસાંગાણી, મોરબી ,ટંકારામાં આવેદન અપાયા હતા. જેમાં તમામ આવેદનપત્રમાં એક સમાન માગણી હતી કે જૂની પાક વિમા યોજના ફરી લાવવામાં આવે તેમજ ખેડૂતોની દેવામાફી કરવામાં આવે, હાલના વાતાવરણમાં ભેજવાળી મગફળી હોવાથી આ ભેજવાળી મગફળી એમએસપી યોજનામાં 300 મણ ખરીદવામાં આવે એવી માગણી ઉચ્ચારવામાં આવી હતી. જેતપુરમાં રૂપાવટી ડેડરવા, બોરડી સમઢિયાળા, ચાપરાજપુર, પીપળવા, નવા પીપળિયા, અકાળા, આરબટીંબડીના ગામોના ખેડૂતોએ મોટીસંખ્યામાં એકઠાં થઈ રૂપાવટીથી જેતપુરની મામલતદાર કચેરી સુધી બાઈક રેલી યોજી સરકાર પાસે આર્થિક સહાય માગતું આવેદન આપ્યું હતું.ઉપલેટામાં કીસાન સભાએ ખેડૂતોને તાત્કાલિક રાહત પેકેજ આપવાની માગણી સાથે દેખાવો કરી મામલતદારને આવેદન આપ્યું હતુુ.


