Gujarat

અશાંતધારા હેઠળ ફરિયાદ કરાઈ હતી, પાલડીની નુતન સોસાયટીની નવ મિલકત મુળ માલિકને પરત કરવા કલેકટરનો હુકમ

By GS TEAM
18 Nov 20251 min read
અશાંતધારા હેઠળ ફરિયાદ કરાઈ હતી,  પાલડીની નુતન સોસાયટીની નવ મિલકત મુળ માલિકને પરત કરવા કલેકટરનો હુકમ

અમદાવાદ,મંગળવાર,18 નવેમ્બર,2025

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી નુતન સર્વોદય સોસાયટીની નવ મિલકત મુસ્તફામિયા હુસૈનમિયા શેખે ખરીદી લેતા અશાંતધારા હેઠળ અમદાવાદ કલેકટર સમક્ષ ફરિયાદ કરાઈ હતી.૧૨ નવેમ્બરે-25ના રોજ કલેકટરે આ નવ મિલકત તેના મુળ માલિકોને છ મહિનામા પરત કરવા હુકમ કર્યો છે. આ ઉપરાંત જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવા પણ આદેશ કર્યો છે.

પાલડી વિસ્તારમાં જૈન વસ્તી મોટા પ્રમાણમાં વસવાટ કરી રહી છે.અગાઉ વર્ષા ફલેટનો કાનુની વિવાદ ઘણાં લાંબા સમય સુધી ચાલ્યો હતો.નુતન સર્વોદય સોસાયટીમા આવેલી નવ મિલકત મુસ્લિમ ખરીદદાર મુસ્તફામિયા શેખ દ્વારા ખરીદી લેવાઈ હોવાની જાણ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત પી શાહને થતાં ધારાસભ્યે અશાંતધારાની પરવાનગી સિવાય કરવામા આવેલા વેચાણને રદ કરવા કલેકટર સમક્ષ ફરિયાદ કરી હતીે.ફરિયાદમાં માલિકીહક તબદીલ નહીં કરવા ઉપરાંત દસ્તાવેજ પણ મુળથી રદ કરવા રજૂઆત કરી હતી.આ મામલે કલેકટર સમક્ષ થયેલી ફરિયાદ પછી મુસ્તફામિયા શેખ સહીત અન્યોને નોટિસ પાઠવી  કલેકટર કચેરી દ્વારા અશાંતધારા અંતર્ગત સ્પષ્ટતા માંગવામા આવી  હતી.સોસાયટીના મોટાભાગના મકાનોના બાનાખત કરાવી લેવામા આવ્યા છે.સોસાયટીના પ્રથમ બંગલામા જ કોમર્શિયલ અને રહેણાંક પ્રવૃત્તિ ચાલતી હતી.જેમાં કોમર્શિયલમા તબદીલ કરવા કોર્પોરેશન સમક્ષ અગાઉ થયેલ ઈમ્પેકટફીની કાર્યવાહી કરવા તંત્રે અરજી રદ કરી દીધી હતી.અન્ય રીતે મ્યુનિ.દ્વારા પ્લાન પણ નામંજૂર કરવામા આવ્યો હતો.