સુરતના ભીમપોર વિસ્તારમાં 8 કરોડના ખર્ચે બનશે કોમ્યુનીટી હોલ
સુરત શહેરમાં વધતી જતી વસ્તી અને વિસ્તાર સાથે પ્રાથમિક સુવિધાનો પણ વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં પાલિકાના અઠવા ઝોનમાં કોમ્યુનીટી હોલ અને વરાછા- ઉધના ઝોનમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ- અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે અને તેના માટે જાહેર બાંધકામ સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામા આવી છે.
સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે લાંબા સમયથી આયોજન થઈ રહ્યું છે. તેમાં પણ સુરત પાલિકાના અઠવા ઝોનમાં ડુમસ- ભીમપોર વિસ્તારમાં કોમ્યુનીટી હોલ માટે આયોજન કરવામાં આવ્યું છે. પાલિકાના અઠવા ઝોનમાં ડ્રા.ટી.પી.સ્કીમ નંબર 79 સુલતાનાબાદ-ભીમપોરમાં ફાઇનલ પ્લોટ નં 152માં 8 કરોડના ખર્ચે કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટ બનાવવા માટે દરખાસ્ત રજુ કરવામા આવી છે.
આ ઉપરાંત વરાછા ઝોનમાં આવેલા ટી પી સ્કીમ નંબર 4માં અશ્વિનીકુમાર નવાગામમાં 3.85 કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે અને તેના અંદાજ સાથેની દરખાસ્ત રજુ કરવામા આવી છે. આ ઉપરાંત ઉધના ઝોનમાં આવેલા ભેસ્તાનમાં ટીપી 22, એફ.પી 72 માં રમત ગમતનું મેદાન 2.32 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. કાપોદ્રામાં રચના સર્કલથી ભગવતી સર્કલ સુધીના 18 મીટરના ટીપી રસ્તાને 6.82 કરોડના ખર્ચે સીસી રોડ, ભેસ્તાનમાં જુનો કોમ્યુનીટી હોલ ઉતારી 3.36 કરોડમાં નવો કોમ્યુનિટી હોલ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ દરખાસ્ત જાહેર બાંધકામ સમિતિની બેઠક સમક્ષ રજુ કરવામા આવી છે.