Gujarat

આણંદની અક્ષર હોસ્પિટલમાં દર્દીની તબિયત લથડતા પુત્રનો હોબાળો

By GS TEAM
26 Jun 20251 min read
આણંદની અક્ષર હોસ્પિટલમાં દર્દીની તબિયત લથડતા પુત્રનો હોબાળો

- કાર્ડિયાક ટેબલને નુકસાન પણ કર્યાની ફરિયાદ

- મારી માતાની તબિયત કેમ બગડે છે કહી બે મેલ નર્સોને લાતો, ગડદાપાટુનો માર માર્યો

આણંદ : આણંદ શહેરના કલ્પના સિનેમા રોડ ઉપર આવેલા અક્ષર હોસ્પિટલમાં ગઈકાલ સાંજના સુમારે એક મહિલા દર્દીની તબિયત લથડતા દર્દીના પુત્રએ સ્ટાફ સાથે ઝઘડો કરી બે મેલ નર્સોને લાતો તેમજ ગઢડાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોજીત્રા તાલુકાના મલાતજ ગામે રહેતા ૪૫ વર્ષીય યોગીનીબેન રમેશભાઈ પટેલને ગત સોમવારના રોજ સવારના સુમારે આણંદ શહેરની કલ્પના સિનેમા રોડ ઉપર આવેલ એક્સરે હાઉસની બાજુની અક્ષર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. યોગીનીબેન સાથે તેમનો પુત્ર કુશાગ્ર પટેલ પણ આવ્યો હતો.  

દરમિયાન ગઈકાલ સાંજના સુમારે કુશાગ્ર પટેલે હોસ્પિટલના મેલ સ્ટાફ નર્સ પ્રશાંતભાઈ મેકવાન અને સચીનભાઈ ગોહેલ સાથે ઝઘડો કરી મારી માતાની તબિયત કેમ બગડે છે તેમ કહી નસગ ટેબલની બાજુમાં પડેલ કાડયાક ટેબલ લઈ પ્રશાંતભાઈ મેકવાન સાથે ઝઘડો કર્યો હતો અને ટેબલને નુકસાન પહોંચાડયું હતું. બંને સ્ટાફ નર્સ સાથે બળ પ્રયોગ કરી ઝઘડો કરી મારામારી કરી હતી. 

સચિન ભાઈને કમરના ભાગે લાત મારી તેમજ પ્રશાંતભાઈને પણ લાતો મારી મારવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે હોસ્પિટલના તબિબ ચિરાગ મોદીએ આણંદ શહેર પોલીસ મથકમાં કુશાગ્ર રમેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.