વાહનની ટક્કરથી મોપેડ સવાર કોલેજિયન યુવાન મોતને ભેટયો
રક્ષાશકિત ઓવરબ્રિજ પર અકસ્માત
મૃતક યુવકની સાથી વિદ્યાર્થીનીને ઇજા પહોંચી : બંને અમદાવાદ પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ગાંધીનગર : ગાંધીનગર શહેરને જોડતા માર્ગો પર માતેલા સાંઢની જેમ દોડતાં વાહનો છાશવારે જાનલેવા અકસ્માત સર્જતા રહે છે. ત્યારે ગાંધીનગર એરપોર્ટ રોડ પર રક્ષાશક્તિ ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને ટક્કર માર્યાના પગલે ગંભીર ઘાયલ થયેલા કોલેજીયન યુવાનનું મૃત્યુ થયુ હતું. જ્યારે તેની સાથી વિદ્યાર્થીનીને પણ ઇજા પહોંચી હતી. બન્ને મોપેડ પર અમદાવાદ પરત ફરી રહ્યા હતાં, ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો.
ઇન્ફોસિટી પોલીસ મથક દ્વારા આ બનાવ સંબંધે કાયદેસરની
કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ સુત્રોના જણાવવા પ્રમાણે એલડીઆરપી કોલેજમાં
અભ્યાસ કરતો ક્રિસ પ્રવિણકુમાર નાયક નામનો યુવાન અને તેની સાથી વિદ્યાર્થીની બન્ને
મોપેડ પર સવાર થઇને અમદાવાદ પરત ફરી રહ્યો હતો. તેમનું મોપેડ રક્ષાશક્તિ ઓવરબ્રિજ
પરથી પસાર થતું હતું, તે
દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારતાં મોપેડ સહિત તેઓ રોડ પર ફંગોળાઇ ગયા હતાં.
અકસ્માતના પગલે એકઠા થઇ ગયેલા અન્ય વાહનોના ચાલકોએ તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સને
બોલાવીને બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. જ્યાં સારવાર દરમિયાન
ક્રિસનું પ્રાણ પંખી ઉડી ગયુ હતું. આ બનાવ સંબંધમાં મૃતક ક્રિસના મામ અલ્પેશ
વ્યાસની ફરિયાદ પરથી ગુનો દાખલ કરીને પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી
હતી. પાટનગર આસપાસના મુખ્યમાર્ગો પર વાહનો વધવાની સાથે જાનલેવા અકસ્માતોની
સંખ્યામાં પણ વધારો થયો છે.