Get The App

આ વર્ષે કોલ્ડવેવની શક્યતા નહીવત્ : ઠંડી હાલ 2 દિવસ વધશે, પછી ઘટશે

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
આ વર્ષે કોલ્ડવેવની શક્યતા નહીવત્ : ઠંડી હાલ 2 દિવસ વધશે, પછી ઘટશે 1 - image

ગત વર્ષે જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં ઈતિહાસની સૌથી ઓછી ઠંડી : ગુજરાતમાં કમોસમી વાદળો બીજા દિવસે છવાયેલાં રહેતાં સવારનું તાપમાન ઉંચકાયું પણ બપોરનું ઘટયું  : દરમિયાન આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન જારી રહેતા તેની અસર રૂપે ગઈકાલે સૌરાષ્ટ્રમાં માવઠાં વરસ્યા બાદ આજે પણ કમોસમી વાદળો છુટાછવાયા  જોવા મળ્યા હતા. 

રાજકોટ, : મહત્તમ ગરમીના રેકોર્ડ તોડનાર ગુજરાતમાં સતત બીજા વર્ષે શીતલહર અને ઝાકળવર્ષાના અભાવ વચ્ચે ઠંડી ઓછી પડી છે. મોસમ વિભાગે આજે જારી કરેલા પખવાડિક તેમજ જાન્યુઆરી માસના પૂર્વાનુમાન મૂજબ પણ રાજ્યમાં કોલ્ડવેવની શક્યતા નહીવત્ છે. જ્યારે આજે ગાયબ થયેલી ગુલાબી ઠંડી આગામી બે દિવસમાં તાપમાનમાં ૨થી 4 સે.ના ઘટાડા સાથે અનુભવાશે પરંતુ, ત્યારબાદ ત્રણ દિવસમાં તાપમાન ફરી વધતા રહી સહી ઠંડીમાં પણ ઘટાડો થશે. 

ગત વર્ષ 2025માં જાન્યુઆરી, ફેબ્રુઆરી એ શિયાળાના બે માસમાં ભારતમાં ઈ.સ. 1901 પછી સૌથી ઉંચુ તાપમાન, નોર્મલ કરતા સરેરાશ 1.17 સે. વધુ નોંધાયું હતુ. જાન્યુઆરીથી એપ્રિલ અને ઓગષ્ટ, સપ્ટેમ્બર એ ગત વર્ષના 6 મહિના સામાન્યથી વધુ તાપમાન રહ્યુ હતું. આમ, ગુજરાત સહિત દેશભરમાં ઠંડી ઘટી રહી છે અને ગરમી વધી રહી છે. 

જેના પગલે રાજ્યની મોસમમાં પલટો આવ્યો હતો અને એક તરફ સવારનું તાપમાન વધીને વડોદરા,સુરત, અમદાવાદ, ભાવનગર, દિવ ,દ્વારકા સહિતના સ્થળે 20 સે.નજીક પહોંચી જતા રાજકોટ અમરેલી, પોરબંદર, ગાંધીનગર, કેશોદ, જુનાગઢ સહિત મોટાભાગના સ્થળે 16 સે.ને પાર થઈ ગયું હતું. આ ઉપરાંત દિવસના ભેજનું પ્રમાણ વધીને 45 ટકા આસપાસ થઈ જતા ઠંડી ગાયબ થઈ હતી. પરંતુ, આ સાથે જ બપોરના તાપમાનમાં ૩ સે. સુધી ઘટાડો નોંધાયો હતો અને ગુજરાતના તમામ સ્થળોએ મહત્તમ તાપમાન 29 સે.ની નીચે ઉતર્યું હતું.  એકંદરે લોકો હાલ જેની તડામાર તૈયારી કરી રહ્યા છે તે ઉત્તરાયણ પૂર્વેના દિવસોમાં ઠંડીનો ચમકારો રહેશે પરંતુ, અગાઉ જેવી કાતિલ ઠંડીની શક્યતા નહીવત્ છે.