વિરોલ સોજીત્રા રોડ પર બાઇકે ટક્કર મારતા એક બાળકનું મોત

- બાઇક ચાલક સામે ફરિયાદ
- બેદરકારીથી બાઇક હંકારીને અકસ્માત સર્જયો, મોટરસાઇકલ ચાલક નાસી છૂટયો
વિરોલ ગામે રહેતા રમેશભાઈ મનુભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે.ચાર વર્ષના પૌત્ર પિયુષને લઈને દાદા રમેશભાઈ પરમાર આજે સવારના સુમારે ચાલતા ચાલતા વિરોલ સોજીત્રા રોડ ઉપર આવેલા કરમ ફાર્મ નજીકથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવેલા એક બાઈકના ચાલકે પોતાનું બાઈક ગફલતભરી રીતે હંકારી લાવી ચાર વર્ષીય પૌત્રને ટક્કર મારતા તે રોડ ઉપર પટકાયો હતો અને તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બાઈક ચાલક બાઈકને ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત ૪ વર્ષીય પિયુષને સારવાર અર્થે સોજીત્રાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે સોજીત્રા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








