Gujarat

રોડ ક્રોસ કરીને ચોકલેટ લેવા જતી બાળકીને કાર ચાલકે ટક્કર મારતા મોત

By GS TEAM
25 Sep 20252 mins read
રોડ ક્રોસ કરીને ચોકલેટ લેવા જતી બાળકીને કાર ચાલકે ટક્કર મારતા મોત

વડોદરા,ભાયલી ગામ નજીક રોડ ક્રોસ કરીને ચોકલેટ લેવા જતી ૬ મહિનાની બાળકીને કાર ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. જ્યારે પાદરાના મહુવડ ગામે બે બાઇક વચ્ચે અકસ્માત થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત થયું છે.

દાહોદ જિલ્લાના વતની કમલેશભાઇ મોહનિયા અને તેમના પત્ની  ભાયલી ગામે નવી બંધાતી સાઇટ પર મજૂરી કામ કરે છે. આજે બપોરે બે વાગ્યે તેઓની ૬ વર્ષની પુત્રી રોડ ક્રોસ કરીને સામે ચોકલેટ લેવા જતી હતી. તે દરમિયાન એક કાર ચાલકે ટક્કર મારતા બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી. કાર ચાલક  જ બાળકીને હોસ્પિટલમાં લઇ  ગયો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. જે અંગે તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના બામણ ગામે દેવજી ધર્માવાળા ફળિયામાં રહેતો અજયકુમાર અશોકભાઇ ઠાકોર, જયદિપકુમાર અને નિલેશભાઇ બાઇક પર  ગત ૨૦ મી તારીખે પાદરાના  મહુવડ ગામે   હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતા હતા.સવારે સવા સાત વાગ્યે  પાદરા જંબુસર રોડ પર આવેલ મોર્ગન કંપની સામે આવેલા ડિવાઇડરથી સામે તરફ રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન  મહુવડ તરફથી એક સગીર બાઇક ચાલકે તેઓની બાઇક સાથે અકસ્માત કરતા તેઓ રોડ પર ફંગોળાઇને પડયા હતા. ત્રણેયને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જયદિપ અરવિંદભાઇ ઠાકોર (રહે. બામણ ગામ) નું મોત થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત

મળતી માહિતી મુજબ, પોર ગામ ક્રિષ્ણા સોસાયટીમાં રહેતા હરેશભાઇ રાજીવભાઇ પાટણવાડિયા ( ઉં.વ.૪૦) બાઇક લઇને ગત ૨૨ મી તારીખે કરજણ નોકરી  જતા હતા. તે દરમિયાન બાઇક સ્લિપ થઇ જતા તેઓને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.