Gujarat

એકતરફ આકાશી આફત બીજી તરફ ખોદેલા રસ્તા, નિકોલમાં કોર્પોરેશને રોડ ખોદી નાંખતા રહીશો પારાવાર મુશ્કેલીમાં

By GS TEAM
18 Jun 20252 mins read
એકતરફ આકાશી આફત બીજી તરફ ખોદેલા રસ્તા, નિકોલમાં કોર્પોરેશને રોડ ખોદી નાંખતા રહીશો પારાવાર મુશ્કેલીમાં

અમદાવાદ,મંગળવાર,17 જુન, 2025

અમદાવાદમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદના પગલે નિકોલ વિસ્તારના રહીશો પારાવાર મુશ્કેલી અનુભવી રહયા છે. એકતરફ આકાશી આફત બીજી તરફ કોર્પોરેશને સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા બે કિલોમીટર સુધીના રોડ ખોદી નાંખતા રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહયા છે. વરસાદને કારણે રોડ ઉપર ઘૂંટણસમા પાણીમાંથી પસાર થતી વખતે રહીશો મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ફળતાને લઈ ભારે રોષ ઠાલવી રહયા છે.બાળકોને સ્કૂલમાં મુકવા જતી વખતે ખોદી નાંખેલા રસ્તાના કારણે એક કલાકથી વધુ સમય થતો હોવાને લઈને પણ લોકો કોર્પોરેશન ઉપર ગુસ્સો ઠાલવે છે.

નિકોલ વિસ્તારમાં આવેલા મધુમાલતી આવાસ અને અન્ય વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. બે મહિનાથી ચાલી રહેલી આ કામગીરી હજી સુધી પુરી થઈ શકી નથી. ચોમાસા પહેલા કામગીરી પુરી કરવાના કોર્પોરેશનના દાવા પણ પોકળ પુરવાર થયા છે.બીજી તરફ નિકોલથી લઈ ઠકકરનગર સુધી બે કિલોમીટરનો રોડ બંને તરફથી કોર્પોરેશન દ્વારા ખોદી નાંખવામા આવ્યો છે. બે દિવસથી શહેરની સાથે નિકોલ વિસ્તારમાં પણ એક ઈંચથી વરસાદ વરસી રહયો છે.સમગ્ર રસ્તા ઉપર ખોદેલા ખાડાની સાથે વરસાદી પાણી ભરાયેલા હોવાથી ટુ વ્હીલરની સાથે મોટા વાહનો પણ રોડ ઉપર ફસાઈ જવાના પણ અનેક બનાવ બની રહયા છે.નિકોલના રહીશોમાં આ પ્રકારે પહેલી વખત રોષ નથી. આ અગાઉ વરસાદમાં પાણી ભરાતા નિકોલના કોર્પોરેટરના ઘરે જઈ રહીશોએ હલ્લા બોલ કર્યો હતો. મધુમાલતી આવાસ અને નિકોલના અન્ય વિસ્તારની હાલની પરિસ્થિતિ જોતા કોર્પોરેશન કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોતુ હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાઈ રહયો છે. છતાં ઝડપથી કાર્યવાહી પુરી કરવામાં કોઈને રસ નથી.