નડિયાદના મંજીપુરામાં ઢોર પાર્ટી પર હુમલો કરી બાઈક ચઢાવી દીધી

- બાઈક પર આવેલા બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ
- ફરી ગાયો પકડવા આવશો તો જીવતા છોડીશું નહીં કહી બે પશુપાલકો દોરડું ખેંચી ગાય છોડાવી ગયા
નડિયાદ : નડિયાદ શહેરમાં રખડતી ગાયોને પકડતી ઢોર પાર્ટી પર પશુપાલકો દ્વારા હુમલાનો વધુ એક બનાવ બન્યો છે. નડિયાદ મહાનગરપાલિકાની ટીમ મંજીપુરા વિસ્તારમાં આજે સવારે ગાયો પકડવા ગઈ હતી. ત્યારે બે પશુપાલકોએ ગાળો બોલી ઢોર પાર્ટીના કર્મચારી સાથે ઝપાઝપી કરી બાઈક ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ગાય છોડાવી નાસી ગયા હતા.
નડિયાદ મહાનગર પાલિકામાં સીએનસીડી વિભાગમાં ફરજ બજાવતા વિશાલ સુંદરલાલ ગોસ્વામી અને ઢોર પાર્ટી આજે સવારે નડિયાદ રંગ ઉપવન પાર્ટી પ્લોટ સામે ચંદ્રલોક સોસાયટી મંજીપુરા વિસ્તારમાં રખડતી ગાયોને પકડવા ગયા હતા. તેઓ ગાયને પકડી ગાડીમાં ચડાવતા હતા ત્યારે નાનકા રત્નાભાઇ ભરવાડે અલફીઝ પઠાણને આ ગાય ક્યાં લઈ જાઓ છો કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. જ્યારે મોટરસાયકલ લઈને આવેલા સબૂરભાઈ ભરવાડ પશુપાલકે વિશાલ ગોસ્વામી પર મોટરસાયકલ ચડાવી દઈ ઝપાઝપી કરી હતી. હાથમાંથી દોરડું છોડાવી દઈ ગાય ભગાડી ગયા હતા. આ સોસાયટીમાં ફરીથી ગાયો પકડવા આવવું નહીં અને ગાયો પકડવા આવશો તો જીવતા છોડીશું નહીં તેમ કહી ફરજમાં અવરોધ ઊભો કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. આ બનાવ અંગે વિશાલ સુંદર લાલ ગોસ્વામીની ફરિયાદ આધારે ગ્રામ્ય પોલીસે નનકા રત્ના ભરવાડ તેમજ ભરવાડ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.








