Gujarat

અડાલજ નજીક પશુઓ ભરેલું ડાલું પલટયું ઃ ૬ પાડાનાં મોત, ૨૧નો બચાવ

By GS TEAM
23 Feb 20262 mins read

અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર

ગૌરક્ષકોએ ડાલાના ડ્રાઇવર ક્લીનરને માર મારી પોલીસને બોલાવતા રૃપિયા ૨.૪૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીનગર :  અડાલજ તરફ જતા રોડ ઉપર ત્રિમંદીરની સામે નિર્માણ પામેલા નવા બ્રીજ પાસે ગત રાત્રિએ પશુઓ ભરેલું એક પીકઅપ ડાલું પલટી જવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં ડાલામાં ક્રતાપૂર્વક ભરેલા ૨૭ પાડાઓ પૈકી ૬ પશુઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૨૧ પશુઓને બચાવી પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા છે.

ગાંધીનગર નજીકથી પસાર થતા હાઇવે માર્ગો ઉપર પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી વધી રહી છે ત્યારે ઘણા કિસ્સામાં ગૌરક્ષકો દ્વારા પીછો કરીને કતલખાને લઈ જવાતા આવા પશુઓને પકડીને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવતા હોય છે ત્યારે ગઈકાલે રાત્રે પણ આવી જ એક ઘટના ગાંધીનગર નજીક આવેલા અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર અડાલજ ત્રિમંદિર પાસે બનવા પામી હતી. જ્યાં ડાલામાં લાકડાના પાટિયા ગોઠવી બે માળ બનાવીને ભેંસના ૨૭ પાડા-પાડીઓને અત્યંત ક્રતાપૂર્વક, હવા-ઉજાસ કે ખોરાક-પાણીની વ્યવસ્થા વગર ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. ગૌરક્ષકોએ તેનો પીછો કરતા ચાલકે કાબુ ગુમાવતા બ્રિજ પાસે જ આ ડાલુ પલટી ખાઈ ગયો હતો ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ટીમ પહોંચી ત્યારે ગૌરક્ષકો દ્વારા ડ્રાઇવર અને ક્લીનરને માર મારવામાં આવી રહ્યો હતો. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવતા ડાલામાં કુલ ૨૭ જેટલા પાડા અને પાડી હતા. જેમાંથી છ ના અકસ્માત બાદ મોત થયા હતા. જ્યારે ૨૧ જીવિત પશુઓને કલોલ અને ખેરપુર પાંજરાપોળ ખાતે સુરક્ષિત રીતે મોકલી આપ્યા હતા. જે મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ૨.૪૨ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.