Gujarat

વાઘોડિયા રોડ પર લારીવાળા પાસે પૈસા માંગી ત્રાસ ગુજારતા માથાભારે સામે છેવટે ગુનો દાખલ

By GS TEAM
21 Jun 20252 mins read
વાઘોડિયા રોડ પર   લારીવાળા પાસે પૈસા માંગી ત્રાસ ગુજારતા માથાભારે સામે છેવટે ગુનો દાખલ

 વડોદરા,વાઘોડિયા રોડ પર લારી ચલાવતા માતા - પુત્રને ધમકાવી પૈસાની માંગણી કરતા પાણીગેટના માથાભારે ડેવિડ કહારના ત્રાસથી કંટાળીને છેવટે માતા - પુત્રે ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા  પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

વાઘોડિયા રોડ પ્રભાત બસ સ્ટેન્ડ પાસે નાસ્તાની લારી ચલાવતી મહિલાએ આક્ષેપ કર્યો છે કે, અગાઉ અમે ટેબલ પર નાસ્તાનો ધંધો કરતા હતા.ત્યારબાદ પૈસા ભેગા થતા લારી વસાવી અને ધંધો કરતા હતા. અમે જે જગ્યાએ લારી ઉભી રાખી હતી. ત્યાં એક માથાભારે ડેવિડ કહારે આવીને ત્રાસ આપવાનું શરૃ કર્યુ હતું. તેણે અમારી લારી  હટાવી ત્યાં  બીજી બે લારી ગોઠવી દીધી હતી. તે અમને એવી ધમકી આપતો હતો કે, આ  જગ્યા મારી છે. અહીંયા ધંધો કરવો હોય તો મને  પૈસા આપવા  પડશે. તે માનસિક ત્રાસ આપી હુમલો કરવાની ધમકી આપતો  હતો. અમે આ અંગે પોલીસ અને  કોર્પોરેશનમાં ઘણી વખત રજૂઆત કરી હતી. પરંતુ, અમારી સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી.

છેવટે માતા - પુત્રે કોર્પોરેશનની કચેરીએ જઇ માથાભારે ડેવિડ કહાર વિશે રજૂઆત કરી હતી. તેમજ પોલીસ કમિશનર કચેરીમાં પણ ફરિયાદ કરી હતી. છેવટે પાણીગેટ પોલીસે આ અંગે ધમકી અને બળજબરીથી  પૈસા કઢાવવાની કોશિશનો ગુનો દાખલ કરી ડેવિડ કહારની શોધખોળ હાથ ધરી છે.


માથાભારે શખ્સે મૂકેલી લારીઓ કોર્પોરેશને ઉપાડી લીધી

 વડોદરા,

મહિલા અને તેના પુત્રે કોર્પોરેશન તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા છેવેટે તંત્ર એક્શનમાં આવ્યું હતું. વાઘોડિયા રોડ પર દાદાગીરીથી મૂકવામાં આવેલી લારીઓ આજે દબાણ શાખાની ટીમ દ્વારા ઉંચકી લેવામાં આવી હતી.