Gujarat

બાપોદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. સામે છેવટે ગુનો દાખલ

By GS TEAM
12 Jun 20262 mins read
બાપોદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. સામે  છેવટે ગુનો દાખલ

 વડોદરા,બાપોદ  પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકાન પર ગેરકાયદે કબજો કરવાની કોશિશના બનાવ અંગે રજૂઆત કરવા પોલીસ સ્ટેશન ગયેલા લોકો સાથે એ.એસ.આઇ. દ્વારા બોલાચાલી કરી જાતિ અપમાનિત શબ્દો કહેવામાં આવ્યા હતા.આ કેસમાં ભારે  હોબાળા અને રેલી પ્રદર્શન  પછી એ.એસ.આઇ. સામે એટ્રોસિટિ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, એક મકાનના ગેરકાયદે કબજો લેવાની કોશિશ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી થઇ  હતી. જે અંગે રજૂઆત કરવા માટે ગત ૧૫ મે ના  રોજ મોટી સંખ્યામાં લોકો બાપોદ પોલીસ સ્ટેશન  પહોંચી ગયા હતા. તે દરમિયાન બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. નિપુલ રમણભાઇ કહાર દ્વારા લોકો સાથે બોલાચાલી કરી જાતિ અપમાનિત શબ્દો કહેવામાં આવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. પોલીસ સ્ટેશનનો સ્ટાફ મધ્યસ્થી કરી મામલો થાળે  પાડવાની  કોશિશ કરી રહ્યો હતો. કાયમ શર્ટના બટન ખુલ્લા રાખીને પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા નિપુલ કહાર સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા તેમજ જમાદાર માફી માગે તેવી  ઉગ્ર માગણી લોકોએ કરી હતી.  આ  અંગે ગુનો દાખલ નહીં થતા એસ.સી-એસ.ટી દલિત સમાજ દ્વારા જન સ્વાભિમાન રેલી યોજાઇ હતી. તેમાં પોલીસ સાથે ઘર્ષણ થતા ૭૫ લોકો સામે ગુનો દાખલ થયો હતો. છેવટે આ પ્રકરણમાં બાપોદ પોલીસે પ્રવિણકુમાર પરમાર (રહે.પાદરા) ની ફરિયાદના આધારે એ.એસ.આઇ. નિપુલ કહાર સામે એટ્રાસિટિ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. એસ.સી.એસ.ટી. સેલના એ.સી.પી. દ્વારા નિપુલ કહારને આ ગુના અંગે નોટિસ પાઠવવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ નિપુલ કહાર સામે સ્ત્રી અત્યાચારની ફરિયાદમાં આક્ષેપો થયા હતા.