કરજણના ભાજપ MLA અક્ષય પટેલના પુત્ર ઋષિ સામે ગુનો નોંધાયો, ટ્રક ડ્રાઈવરને ઊંધો લટકાવી અધમૂઓ કર્યો હતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાઃ વડોદરા જિલ્લાના કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને તેના સાગરીતોની દાદાગીરી સામે આવી છે. રેતીના ડમ્પરના આદિવાસી ડ્રાઇવરોને ઢોર માર મારવાના આ બનાવને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ મુદ્દો ગરમાતા અને આંદોલનની ચીમકી અપાતા, છેક ગાંધીનગર સુધી આ મામલાની ગંભીર નોંધ લેવાઇ છે. આખરે ચાર દિવસના ભારે હોબાળા બાદ વલણ પોલીસે ધારાસભ્યના પુત્ર સહિત 5 હુમલાખોરો સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઓફિસે બોલાવી લોખંડની પાઇપથી હુમલો કર્યો
કરજણના નારેશ્વર, લીલોડ સહિતના વિસ્તારોમાં રેતીની લીઝ ચલાવતા ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલ સામે ડમ્પર ડ્રાઇવર નટવર વસાવાએ ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું કે, '15મી મેના રોજ હું અને ગીરીશ વસાવા બે ડમ્પરમાં જંબુસર રેતી ખાલી કરીને પરત આવ્યા ત્યારે અમને ઋષિ પટેલે તેમની બકાપુરની ઓફિસે બોલાવ્યા હતા. અમે બંને ત્યા ગયા ત્યારે બીજા પણ પાંચ-છ ડ્રાઇવર હાજર હતા. ઋષિએ મને ડમ્પરનો ફોટો બતાવી આ કોની ગાડી છે. તેમ પૂછતાં મેં આ ગાડીનો ડ્રાઇવર હું છું તેમ કહ્યું હતું. ત્યારબાદ ગીરીશભાઇએ પણ તેની ગાડીનો ફોટો ઓળખ્યો હતો.'
દોરડા વડે ઊંધો લટકાવી જાતિસૂચક અપમાન કર્યું
પીડિત નટવરભાઇએ જણાવ્યું કે 'મેં ફોટો ઓળખતાં જ ઋષિએ મારા મોંઢે લોખંડની પાઇપ ફટકારી હતી. ત્યારબાદ તેના સાગરીતો જયદત બાપુ, શાહિલ પટેલ, જાવેદ પઠાણ અને વિજય મને દોરડા વડે ઊંધો લટકાવી પ્લાસ્ટિકની પાઇપ વડે માર માર્યો હતો. તેણે મારી જાતિનું અપમાન થાય તેવા ઉચ્ચારણ પણ કર્યા હતા. હું બેભાન જેવો થઇ જતાં મને નીચે ફેંકી દીધો હતો અને હુમલાખોરો ચાલ્યા ગયા હતા. આવી જ રીતે હુમલાખોરોએ ગીરીશને પણ માર મારતાં અમે બંનેએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.'
અધમૂવી હાલતમાં બાઇક પર હોડી સુધી મુકી આવ્યા
ઈજાગ્રસ્ત ડ્રાઈવર નટવર વસાવાએ જણાવ્યું કે, 'મને ઢોર માર મારતાં હું બેભાન જેવો થઇ ગયો હતો.ત્યારબાદ ઋષિ ની ઓફિસમાં કામ કરતા ધવલ માછી અને સુરેશ વસાવા મને બાઇક પર કહોણા ના હોડી ઘાટ સુધી લઇ ગયા હતા. ત્યાં મેં મારા પુત્ર તરંગને ફોન કરવાનું કહેતાં ધવલે ફોન કર્યો હતો. મેં તેને લઇ જવા માટે કહેતાં તે હોડી લઈ આવ્યો હતો અને મને લઇ ગયો હતો. ત્યારબાદ મેં ઉમલ્લા સરકારી દવાખાને અને ત્યાંથી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.'
આદિવાસીઓનો રોષ જોઇ ગાંધીનગર સુધી નોંધ લેવાઇ,આંદોલન પહેલાં એક્શન
ઉલ્લેખનીય છેકે, છેલ્લા ચાર દિવસથી આ બનાવ અંગે ધારાસભ્યના પુત્ર સામે પોલીસ કેસ કરવા માટે માગણી થઇ રહી છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દો ખૂબ જ ગરમાયો છે અને આદિવાસી સમાજે પોલીસ સ્ટેશનને ઘેરાવ કરી ભારે વિરોધ પણ કર્યો હતો. તેમણે ફરી આંદોલનનો કાર્યક્રમ જાહેર કરતાં ગાંધીનગર સુધી તેની અસર પડી હતી અને ગુનો નોંધવાની ફરજ પડી છે.
બીજી તરફ પોલીસ ફરિયાદમાં વિલંબ થવાને કારણે અક્ષયનો પુત્ર વિદેશ ભાગી ગયો હોવાની વાતો જોરશોરથી વહેતી થઇ છે. જો કે આ વાતને સત્તાવાર સમર્થન મળતું નથી.








