પોરબંદરના હિરલબા જાડેજા સહિત 6 સામે સાયબર ક્રાઈમ હેઠળ ગુનો દાખલ
સાયબર ક્રાઇમ પોલીસ મથકના PSI દ્વારા નોંધાવાઇ ફરિયાદ : ખોટાં પ્રલોભન આપી ખોલાવાયેલા 5 બેંક ખાતામાં વિવિધ રાજ્યમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુના દ્વારા છેતરપિંડીથી મેળવેલા 35.70 લાખના ટ્રાન્ઝેકશન થયાનું ખુલ્યું
પોરબંદર, : પોરબંદરમાં 70 લાખની લેતેદેતી પ્રશ્ને સૂરજ પેલેસ બંગલામાં ત્રણ લોકોને ગોંધી રાખી માર મારવાના ગુનામાં હિરલબા જાડેજા જુનાગઢ જેલ હવાલે છે ત્યારે તેમની તથા તેમના પાંચ સાગરિતો મળી કુલ ૬ સામે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો દાખલ થયો છે.
પોરબંદરના સાયબર ક્રાઇમ પોલીસમથકના સબ ઇન્સ્પેકટર વી.આર. ચાવડાએ જાતે ફરીયાદી બનીને ગુન્હો નોંધ્યો છે કે પોરબંદરના સાયબરક્રાઇમ પોલીસ મથક ખાતે પાંચેક મહિના પહેલાં સાયબર ક્રાઇમ સંબંધિત જાણવાજોગ નોંધ થઇ હતી. જેની તપાસ કરતા સમગ્ર જિલ્લામાં સાયબર ક્રાઇમમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા શંકાસ્પદ બેન્ક ખાતાની માહિતી મળી હતી. જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતેથી સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા હોવાની શકયતા ધરાવતા અન્ય શંકાસ્પદ ખાતાની યાદી અપાઇ હતી. જેમાં પોરબંદરના એમ.જી. રોડ પર આવેલ કોટક મહિન્દ્રા બેન્કના ૧૪ જેટલા શંકાસ્પદ ખાતાની માહિતી મળી હતી.
જે 14 શંકાસ્પદ ખાતાની પોલીસે પ્રાથમિક તપાસ કરતા તે પૈકી પાંચ જેટલા ખાતામાં અલગ અલગ રાજ્યમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુન્હા દ્વારા છેતરપીંડીથી મેળવેલ ૩૫ લાખ ૭૦ હજાર આ ખાતામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું. ટૂંકાગાળામાં બેંકમાં ખુલેલા આ ૧૪ પૈકી ૧૦ ખાતામાં એડ્રેસ સૂરજ પેલેસ-પોરબંદરનું હોવાનું ખુલ્યું હતું.પોલીસને ગરબડ ગોટાળો જણાતા તેમણે તાત્કાલિક તપાસ હાથ ધરીને કોટક મહિન્દ્રા બેન્કના પોરબંદર શાખાના ઓપરેશન મેનેજરનું નિવેદન લીધ્ીં હતું.
સબ ઇન્સ્પેકટર વી.આર. ચાવડાએ હિરલબા જાડેજા તથા તેના માણસો હિતેશ ભીમા ઓડેદરા, પાર્થ સોંગેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને હિરલબાના ડ્રાયવર રાજુ મેર તથા અન્ય જે લોકો તપાસમાં ખૂલે તે તમામ માણસોએ પૂર્વ આયોજિત કાવતરૂ રચી હિરલબા જાડેજાના નિવાસસ્થાને કોટક મહીન્દ્રા બેન્કના કર્મચારીઓને બોલાવી પોતાના માણસોના તથા અન્ય લોકોના કપટપૂર્વક બેન્ક ખાતા ખોલાવી કુલ પાંચ ખાતામાં અલગ -અલગ રાજ્યોના સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના છેતરપીંડીથી રૂપિયા મેળવ્યા હતા. અને ખાતામાંથી રૂપિયા ઉપાડી એ રૂપિયા સગેવગે કરતા આ તમામ છ સામે ધોરણસર ફરિયાદ દાખલ થઇ છે.