Get The App

રાજુલા નજીક પુલ પર ગાબડું પડતા કાર તણાઈ, માર્કેટીંગ યાર્ડના વેપારીનું મોત

Updated: Jun 18th, 2025

GS TEAM

Google News
Google News
રાજુલા નજીક પુલ પર ગાબડું પડતા કાર તણાઈ, માર્કેટીંગ યાર્ડના વેપારીનું મોત 1 - image

અમરેલી જિલ્લામાં મેઘતાંડવઃ અનરાધાર વરસાદથી જળબંબાકાર

કોસ્ટગાર્ડ અને એનડીઆરએફની મદદથી 40 જેટલા લોકોનું રેસ્ક્યૂ, આઠ પશુઓ તણાયા, સાત ડાઈવર્ઝન ધોવાયા, ભારે ખાનાખરાબી 

અમરેલી: અમરેલી જિલ્લામાં ગઈકાલ બાદ આજે પણ મેઘતાંડવ જેવી સ્થિતિમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો અને ભારે ખાના-ખરાબી પણ સર્જાઈ હતી. જેમાં રાજુલા નજીક પુલ પર ગાબડું પડતા કાર તણાઈ જવાથી માર્કેટીંગ યાર્ડના વેપારીનું મોત નીપજ્યું હતું. આજે કોસ્ટગાર્ડ અને એનડીઆરએફની મદદથી ૪૦ જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં આઠ પશુઓ તણાયા હતા. અલગ-અલગ માર્ગો પર સાત ડાઈવર્ઝન ધોવાયા હતા.

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમરેલી જિલ્લામાં નદીઓ અને ડેમ છલકાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. એનડીઆરએફ, કોસ્ટગાર્ડ, ફાયર બ્રિગેડ, ૧૦૮ અને પોલીસ સહિતની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અનેક સ્થળોએ લોકો ફસાયા હોવાના અને જાનહાનિના દુર્ભાગ્યપૂર્ણ બનાવો પણ સામે આવ્યા છે.

રાજુલા પંથકમાં ભારે વરસાદ બાદ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ યથાવત છે. ઉટિયાથી રાજપરડા વચ્ચે વહેલી સવારે એક કાર પુલ પરથી પસાર થતી વખતે ભુવો પડવાના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારચાલક રાજુલા માર્કેટિંગ યાર્ડના વેપારી ભગવાનભાઈ વાઘનું મૃત્યુ થયું હતું. જ્યારે કાર બ્રિજ નીચે ફસાઈ હતી, જેને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને તંત્રની મદદથી બ્રિજ તોડવાની ફરજ પડી હતી. જ્યારે પીપાવાવ ગામે ફસાયેલા ૨૪થી વધુ લોકોને કોસ્ટગાર્ડની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધાતરવડી સહિતની નદીઓમાં ભારે પૂર આવતા ખાખબાઈ વિસ્તારમાં ફસાઈ ગયેલા આઠ માણસોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

સાવરકુંડલા પંથકમાં પણ ભારે વરસાદે અસર કરી છે. સાવરકુંડલા-મહુવા હાઈવે સહિત સાત જગ્યાએ ડાયવર્ઝન ધોવાયા છે. છાપરી અને ડેડકડી વચ્ચેનો પુલ પણ બેસી ગયો છે. સાવરકુંડલાના ફીફાદ ગામે એક ખાનગી બસ પાણીમાં ફસાઈ હતી, જેમાં બેઠેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, સાવરકુંડલાના ઘોબા ગામે ગઈકાલે એક ખેતરમાં ફસાયેલા ત્રણ મહિલા સહિત પાંચ ખેતમજૂરોને એનડીઆરએફની ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા. જ્યારે લિલિયા તાલુકાના બવાડી ગામે પણ શેત્રુંજી નદીના કાંઠે આવેલ ખેતરમાં ફસાયેલા ૬ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું હતું કે સરકારી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.

- અમરેલી જિલ્લામાં મેઘમહેરથી વડી સહિત ત્રણ ડેમ ઓવરફ્લો

અમરેલી જિલ્લામાં સચરાચર મેઘમહેરને કારણે ૧૦ પૈકી ત્રણ ડેમ છલકાઈ જતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં અમરેલીનો વડી ડેમ ઓવરફ્લો થતાં બે દરવાજા ખોલવાની ફરજ પડી છે. સાવરકુંડલા પંથકનો સૂરજવડી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હોવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજુલા પંથકના જીવાદોરી સામાન ધાતરવડી-૧ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. સૌથી મોટા શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર ડેમ ૪૭.૧૯ ટકા સુધી ભરાયો છે તો ઠેબી ૩૬.૮૪ ટકા ભરાયો છે. ખાંભા પંથકનો રાયડી ડેમ ૪૩ ટકા ભરાયો, વડિયાનો સૂરવો ડેમ ૨૩.૬૮ ટકા ભરાયો, શેલ દેદુમલ ડેમ ૫૯.૪૬ ટકા ભરાયો છે. બગસરા પંથકનો મુંજીયાસર ડેમ ૪૬.૨૪ ટકા ભરાયો છે. ધાતરવડી-૨ ડેમ પણ ૬૬.૩૪ ટકા ભરાઈ ચૂક્યો છે.

- પાણીમાં તણાતા યુવકનો જીવ તેની વાછરડીએ બચાવ્યો !

અમરેલીના કાઠમા ગામની સ્થાનિક નદીમાં ગત મોડી રાત્રે આવેલા ભારે પૂરે વ્યાપક નુકસાન પહોંચાડયું છે. નદી કાંઠે રહેતા નટુપરી બાપુ અને તેમના પરિવારનું સર્વસ્વ તબાહ થઈ ગયું છે. આઠ જેટલા પાલતુ પશુઓના મોત થયા છે અને ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે. તબાહીના આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પાણીમાં તણાતા એક યુવકનો જીવ તેની વાછરડીએ બચાવ્યો હોવાનો ચમત્કારિક બનાવ પણ સામે આવ્યો છે. ધારાસભ્યએ સ્થળ મુલાકાત લીધી હતી.