શ્વાન આવતા ગાડી ડિવાઈડરને અથડાઈ નદીમાં ખાબકી, એકનું મોત ત્રણને ઈજા
- માતરના પાલ્લા બ્રિજ પરની ઘટના
- સોજાલી ગામની સાસરીથી પરત ફરતા લાલી ગામના દંપતીના બાઈકને ગાડીએ ટક્કર મારી, પત્નીનું મોત
ધોળકા તાલુકાના રામપુરમાં રહેતા વિશાલભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, મિત્ર અમિતભાઈ ગણપતભાઈ ઠાકોર તેમજ તેમના મામાનો દીકરો દશરથભાઈ ગોપાલભાઈ ઠાકોર, મામાના દીકરા હર્ષદભાઈ કાળુભાઈ ઠાકોરની ગાડી લઈને પુનાજ ગામે મિત્રના દીકરાની બાબરીના પ્રસંગેથી તા. ૭-૪-૨૫ની રાતે ગાડી લઈને પરત ફરી રહ્યા હતા. ગાડી હર્ષદભાઈ કાળુભાઈ ઠાકોર ચલાવતા હતા. ત્યારે માતર તાલુકાના પાલ્લા બ્રિજ ઉપર અચાનક શ્વાન આવતા ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ પુલ ઉપરથી નદીમાં રેતીમાં ખાબકી હતી. ત્યારે ગાડીમાં સવાર ચારે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. વધુ ગંભીર ઈજાગ્રસ્ત દશરથભાઈ ઠાકોર (ઉં.વ.૧૮)ને વધુ સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સારવાર દરમિયાન ગઈકાલે તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગાડીના ચાલક હર્ષદભાઈ ઠાકોર સામે ગુનો દાખલ કર્યો હતો.
બીજા બનાવમાં ખેડા તાલુકાના લાલી ગામના જસવંતભાઈ રણછોડભાઈ ભોઈ પત્નીને લઈ સોજાલી ગામની સાસરીથી બાઈક પર પરત આવતા હતા. ત્યારે બારેજડીથી બારેજા રોડ પર લાલી ગામની સીમ ખારીકટ રોડ પાસે પાછળથી ગાડીએ ટક્કર મારતા બાઈક સવાર દંપતી પટકાયું હતું. જેમાં ઈજાગ્રસ્ત રંજનબેન જશવંતભાઈ ભોઈ (ઉં.વ. ૪૦)ને એલજી હોસ્પિટલ અમદાવાદ લઈ જવાતા મૃત જાહેર કરાયા હતા. ખેડા ટાઉન પોલીસે ગુનો દાખલ કર્યો હતો.