Get The App

ખાદ્યતેલોના ભાવમાં ઉથલપાથલ : સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, પામ-કપાસિયા તેલમાં થયો આટલો વધારો

Updated: Sep 12th, 2024

GS TEAM

Google News
Google News
ખાદ્યતેલોના ભાવમાં ઉથલપાથલ : સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, પામ-કપાસિયા તેલમાં થયો આટલો વધારો 1 - image


Groundnut oil Latest Price : મગફળીના વાવેતરમાં આ વર્ષે ખેડૂતોમાં ઉત્સાહ વધારે રહ્યો છે અને ગત વર્ષની સાપેક્ષે ગુજરાતમાં બુધવાર સુધીમાં 16.83 ટકાનું અને સમગ્ર દેશમાં એકંદરે 9.44 ટકા વાવેતર વધારો નોંધાયો છે. વર્ષ 2023-24માં માત્ર ગુજરાતમાં જ મગફળીનું 46.45 લાખ ટનનું મબલખ ઉત્પાદન થયું હતું અને આ વર્ષે વાવેતરમાં સરેરાશ 10 ટકા જેવો વધારો થયો છે ત્યારે ઉત્પાદન વધવાની આશા વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડાનું વલણ સર્જાયું છે. હાલ ઓફ સીઝનમાં બુધવારે એક દિવસમાં જ રાજકોટ તેલ બજારમાં સિંગતેલના ભાવ પ્રતિ 15 કિલોના નવા ડબ્બા દીઠ રૂ.2630-2680થી ઘટીને રૂ. 2590-2640 સુધી નીચે ઉતર્યા હતા. તો પામ-કપાસિયા તેલમાં રૂ. 60નો વધારો થયો છે. 

બુધવારે એક તરફ યાર્ડમાં મગફળીના ભાવ પ્રતિ 20 કિલોએ રૂ. 40 ઘટયા અને તેની સાથે સિંગતેલના ભાવ પણ રૂ. 40 ઘટયા હતા. નવરાત્રિ સુધીમાં મગફળીની ધૂમ આવક ઠલવાય તેવી શક્યતા છે. કપાસિયા તેલની સાથે કપાસના ભાવ પણ યાર્ડમાં આંશિક વધીને બુધવારે પ્રતિ મણ રૂ. 1300-1715એ પહોંચ્યા હતા. 

જો કે બીજી તરફ, આશ્ચર્યજનક રીતે અન્ય તેલોના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. કપાસનું ઉત્પાદન આશિક ઘટવાના અણસાર વચ્ચે મંગળવારે કપાસિયા તેલનો ડબ્બો રૂ. 1795-1825ના ભાવે વેચાયા બાદ આજે એક દિવસમાં જ રૂ. 60ના તોતિંગ વધારા સાથે ભાવ રૂ. 1855- 2590 સુધી પહોંચી ગયા હતા. આ જ રીતે પામતેલના ભાવમાં પણ રૂ।. 60નો વધારો થયો છે, મંગળવારે રૂ.1620થી 1625ના ભાવ આજે સીધા રૂ।.1680થી 1685એ પહોંચી ગયા હતા. 

ઘરે  રસોઈ બનાવવામાં સિંગતેલ અને તે મોંઘુ હોય તો કપાસિયા, સૂર્યમુખી સહિત તેલ વપરાતું હોય છે. કપાસિયા તેલ કંદોઈની દુકાને વેચાતા ફરસાણમાં અને પામતેલ કંપનીઓ દ્વારા લાંબા સમય સુધી સાચવવા માટે વેફર જેવા પેક્ડ ફરસાણમાં વપરાય છે. જો ખાદ્યતેલોમાં સામસામા રાહ આગળ વધે તો લોકો ફરી સિંગતેલ તરફ વળે તેવી શક્યતા છે. 

Tags :