રાજકોટમાં માતેલા સાંઢ જેવા ડમ્પરે આશાસ્પદ વિદ્યાર્થિનીનો ભોગ લીધો

CPના ભારે વાહનોની પ્રવેશબંધીના જાહેરનામાની ઐસીતૈસી કરી : ભારે વાહનોની પ્રવેશબંધીના જાહેરનામાની અમલવારીમાં નિષ્ફળ ગયેલી ટ્રાફિક પોલીસ સામે નારાજગી અને રોષ
રાજકોટ, : શહેરમાં ભારે વાહનોને પ્રવેશબંધીનું પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડયું છે. પરંતુ ટ્રાફિક પોલીસને તેની અમલવારીમાં કોઈ રસ ન હોય તેમ આજે સવારે હનુમાનમઢી ચોકમાં માતેલા સાંઢની જેમ ધસી આવેલા ડમ્પરે ટુ વ્હીલર પર જતી બે છાત્રાને હડફેટે લેતાં તેમાંથી એક છાત્રાનું મૃત્યુ નિપજયું હતું. જેને કારણે તેના પરિવારજનો ઉપર આભ તૂટી પડયું હતું. સિવીલ હોસ્પિટલમાં પરિવારના સભ્યોનાં કારમા આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ ઘટના સાથે જ શહેરમાં ભારે વાહનોની પ્રવેશબંધીના જાહેરનામાની અમલવારી કરાવવામાં નિષ્ફળ ગયેલી ટ્રાફિક પોલીસ સામે લોકોએ નારાજગી અને રોષ વ્યક્ત કર્યો હતો.
બજરંગવાડી શેરી નં. 12માં રહેતી જુહી નડીયાપરા કણસાગરા કોલેજમાં બી.કોમ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તે તેની બહેનપણી નિશા મેરૂભાઈ રાણંગાના એકટીવા પાછળ બેસી દરરોજ કોલેજ જતી હતી. નિત્યક્રમ મુજબ આજે સવારે તેને પિતા તરૂણભાઈ ટુ વ્હીલર ઉપર શિતલ પાર્ક સુધી મુકી ગયા હતા. જયાંથી તે બહેનપણી નિશાના એકટીવા પાછળ બેસી કોલેજ જવા રવાના થઈ હતી. બંને હનુમાનમઢી ચોકમાં સંભવતઃ ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી ઉભા હતા. ટ્રાફિક સિગ્નલ ખુલતાં બંને હજુ રવાના થાય તે પહેલાં પાછળથી માતેલા સાંઢની જેમ ધસી આવેલા ડમ્પરે હડફેટે લેતાં બંનેને ઈજા થઈ હતી. તત્કાળ બંનેને સિવીલમાં ખસેડાયા હતા. જયાં ટુંકી સારવાર બાદ જુહીએ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જનાર ડમ્પરનો ચાલક ડમ્પર રેઢું મૂકી ભાગી ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે તરૂણભાઈની ફરિયાદ પરથી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. ડમ્પરના ચાલકે ભારે વાહનોની પ્રવેશબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી તે અંગેની કલમ પણ લગાડવામાં આવશે તેમ ગાંધીગ્રામ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.









