વડોદરાના ખોડીયાર નગરના અવધ સીટી ચાર રસ્તા પાસે વરસાદી કાંસમાં આખલો ખાબકયો, લોકોએ રેસ્કયુ કર્યું
Vadodara : વડોદરા શહેરના ખોડીયાર નગરમાં પ્રિમોન્સૂન કામગીરી દરમ્યાન વરસાદી કાંસનું ઢાંકણું ન હોવાથી ગતરાત્રે તેમાં આખલો ખાબકતા લોકોએ અડધો કલાકની જહેમત બાદ તેનું સહી સલામત રેસ્કયુ કર્યું હતું.
પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા શહેરમાં વરસાદી કાંસોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘણા સ્થળોએ વરસાદી કાંસ તોડી તેમાંથી કાદવ કીચડ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. કોર્પોરેશનની આ કામગીરી બાદ કેટલાક સ્થળોએથી કાંસના ઢાંકણા ગાયબ થઈ ગયા છે. તેમજ તોડી પાડેલ વરસાદી કાંસના સમારકામમાં વિલંબ થતા આવી ખુલ્લી વરસાદી કાંસો આફત રૂપ બની છે. ગત મોડીરાત્રે વોર્ડ નંબર 04માં સમાવિષ્ટ ખોડીયાર નગરના અવધ સીટી ચાર રસ્તા પાસે વરસાદી કાંસનુ ઢાંકણું ન હોવાથી આખલો કાંસમાં ખાબકયો હતો. ફાયર લાશ્કરો સ્થળ પર પહોંચે તે અગાઉ 30થી 40 જેટલા લોકોએ દોઢ કલાકની જહેમત બાદ આખલાનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું. સ્થાનિક આગેવાનનું કહેવું છે કે, કાંસમાં પાણી છે, જો કોઈ બાળક ખાબકે તો જાનહાનિ સર્જાઈ શકે, આવા સ્થળોએ સુરક્ષા ઉભી કરવા સાથે સૂચના માટેના બોર્ડ મૂકવા જરૂરી છે, અહી પાંચ થી છ સ્થળોએ છેલ્લા બે મહિનાથી ઢાંકણા ગાયબ છે, કામગીરી બાદ વહેલી તકે સમારકામ પૂર્ણ કરવું જોઈએ. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, થોડા દિવસ અગાઉ ચોખંડી શાક માર્કેટ ખાતે વરસાદી કાંસ પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે તોડવામાં આવી હોય તેમાં ગાય ખાબકતા ફાયર લાશ્કરોએ તેનું રેસ્કયું કર્યું હતું. આ સ્થળે અંધારપટ હોય સુરક્ષા વ્યવસ્થાના અભાવે ઘટના ઘટી હોવાનું બહાર આવ્યું હતું.