સ્પાની આડમાં 11 મહિનાથી ચલાવાતું કુટણખાનું પકડાયું, સંચાલક ઝબ્બે
જીવરાજ પાર્ક જેવા પોશ વિસ્તારમાં ઘણા સમયથી ચાલતુ હોવા છતા પોલીસને ગંધ પણ ન આવી : આરોપી ગ્રાહક પાસેથી રૂ. 2500 લઈ રૂપલલનાને રૂ. 1500 આપી બાકીના રૂ. 1000 પોતે રાખી લેતો હતો : દિલ્હી, અમદાવાદ, પડધરી, નાગાલેન્ડ અને રાજકોટની 7 રૂપલલનાને સાક્ષી બનાવાઈ
રાજકોટ, : રાજકોટમાં સ્પાના આડમાં કુટણખાનું ચલાવાતું હોવાના અવારનવાર આક્ષેપો થતા રહે છે. પરંતુ પોલીસ માત્ર સ્પામાં દરોડા પાડી જાહેરનામાં ભંગના કેસો કરી સંતોષ માનીલેતી હોય છે. ત્યારે શહેરનાં જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલા સ્પામાં એ.એચ.ટી.યુ. (એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ)ના સ્ટાફે દરોડો પાડી સ્પાની આડમાં છેલ્લા 11 માસથી ચલાવાતા કુટણખાનું ઝડપી લઈ સંચાલકની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલામાં સ્પા સંચાલક મનીષ ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ. 31, રહે, આર.એમ.સી. આવાસ યોજનાના કવાર્ટર, બ્લોક નંબર 1082, સાધુ વાસવાણી રોડ)નો સમાવેસ થાય છે.
જીવરાજ પાર્કમાં સીટી કલાસીક કોમ્પ્લેક્ષમાં બીજા માળે શોપ નંબર -241 માં કેન્વાસ નામના સ્પામાં સંચાલક મનીષ સોલંકી કુટણખાનું ચલાવતો હોવાની બાતમી એ.એચ.ટી.યુ.ની ટીમને મળી હતી.
જેના આધારે પી.આઈ. બી.એમ. ઝણકાટ સહિતના સ્ટાફે તપાસ કરી આજે ડમી ગ્રાહકને સ્પામાં મોકલ્યો હતો. થોડીવાર બાદ તે ડમી ગ્રાહકે પોલીસને જાણ કરતાં સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં કાઉન્ટર ઉપર બેઠેલા આરોપી તેને સાથે રાખી રૂમો ચેક કરતા એક પુરૂષ અને મહિલા કઢંગી હાલતમાં મળી આવ્યા હતાં. પોલીસે અલગ અલગ રૂમમાં ચેક કરતાં દિલ્હી, જેતપુર, પડધરી, યુ.પી. અમદાવાદ, અને નાગાલેન્ડની કુલ સાત રૂપલલનાઓ મળી આવી હતી. જેને સાક્ષી બનાવાઈ છે.
પોલીસે 1000ની રોકડ, ફોન સહિત કુલ રૂ. 8000 નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, આરોપી સ્પા સંચાલક મનીષ સ્પામાં આવતા ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફીનાં રૂ. 1000 લેતો હતો. આ ઉપરાંત શરીર સંબંધ બાંધવા માંટે અલગથી રૂ. 2500 ઉઘરાવતો હતો. જેમાંથી તે રૂપલલનાને રૂ.1500 આપી બાકીના રૂ. 1000 પોતે રાખી લેતો હતો. આશરે 11 માસથી આરોપી સ્પાની આડમાં આ કુટણખાનું ચલાવતો હોવાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, 11 માસ જેટલો સમયથી પોસ વિસ્તાર જીવરાજપાર્કમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવાતું હતું પરંતુ સ્થાનીક પોલીસને તેની ગંધ સુધ્ધા આવી ન હતી કે મીઠી નજર હેઠળ આ ધંધો ચલાવાતો હતો તે ચર્ચાનો વિષય બન્યો છે.