જામનગરમાં ગઈકાલે રાતે કૂતરા રમાડવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે બબાલ : 6 વ્યક્તિઓ ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગઈકાલે રાતે કૂતરા રમાડવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે તકરાત થતાં ભારે દોડધામ થઈ છે, જેમાં બંને પક્ષે ધારદાર હથિયારો વડે સામ સામે હુમલા કરાતાં 6 વ્યક્તિઓ ઘાયલ થવાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર શહેરના 59 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગઈ રાત્રિ 12:00 વાગ્યા આસ-પાસ શેરીના કુતરા રમાડવા જેવી નજીવી બાબતે કમલેશભાઇ હીરાનંદ મંગેના સગીરવયના પુત્રને પાડોશી રમેશભાઇ દામા દ્વારા માર મારી ટપારતાં બન્ને પરિવારના યુવાનો વચ્ચે બબાલ સર્જાઇ હતી.
ત્યારબાદ ભારે તંગ વાતાવરણ બન્યું હતું, અને બન્ને પરિવારો પાઇપ-ધોકા-તલવાર સાથે ધસી આવ્યા હતા, અને બન્ને જૂથ વચ્ચે બબાલ થઈ હતી.જેમાં બન્ને પક્ષના મળી 6 યુવાનો ઘવાતાં લોહીલુહાણ હાલતે સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જેમાં એક જૂથના કનૈયાલાલા હીરાનંદ મંગે, કમલેશ હીરાનંદ મંગે, સમીર કમલેશભાઈ મંગે અને નિમેશ કમલેશભાઈ મંગેને સારવાર માટે દાખલ કરાયા છે, જ્યારે સામે પક્ષે પણ નીતેશ રમેશભાઈ દામા અને હિંમત રમેશભાઈ દામાને ઈજા થઈ હોવાથી સારવારમાં ખસેડાયા છે.
આ બનાવની જાણ થતાં સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. નિકુંજસિંહ ચાવડા તથા સર્વલન્સની સમગ્ર ટીમ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી. ત્યારબાદ, બન્ને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.









