જામનગર તાલુકાના સચાણા ગામમાં એક બોગસ તબીબ પોતાની પાસે ડિગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાની બાતમીને આધારે એસ ઓ જી ની ટુકડીએ દરોડો પાડી, બોગસ તબીબને ઝડપી લીધો છે, અને તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરની એસઓજી શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર તાલુકાના સચાણા ગામમાં એક મકાન ભાડે રાખીને પરપ્રાંતિય શખ્સ પોતે ડોક્ટર નથી તેમ છતાં તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે બાતમી ના આધારે ગઈકાલે સચાણા ગામમાં દરોડો પડ્યો હતો.
જે દરોડા દરમિયાન મૂળ પશ્ચિમ બંગાળનો વતની ઈસ્માઈલ અલામરાહી તૈયબ શેખ (ઉ.વ.૪૬) કે જે પોતે કોઈપણ પ્રકારની ડીગ્રી ધરાવતો ન હોવા છતાં દર્દીઓને તપાસીને તેઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો મળી આવ્યો હતો.
પોલીસ દ્વારા તેની પૂછપરછ કરાતાં પોતાની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવાનું કબૂલ્યું હતું. તેથી પોલીસે તેની અટકાયત કરી લઇ તેની સામે પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


