જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો એક બોગસ તબીબ SOGની ટીમના હાથે પકડાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામમાંથી ડીગ્રી વગરના એક બોગસ તબીબને SOG શાખાની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી જરૂરી દવાઓ અને સાધનો વગેરે કબજે કર્યા છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરની SOG શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામજોધપુરના સડોદર ગામમાં ગ્રામ પંચાયત વાળી શેરીમાં સંજય દિનેશભાઈ ટીલાવત નામનો એક બોગસ તબીબ પોતાની પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ડીગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરીને ગરીબ દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે, જે બાતમીના આધારે ગઈકાલે એસ.ઓ.જી.ની ટુકડી એ દરોડો પાડયો હતો.
પોલીસની ટીમે તબીબ પાસેથી ડિગ્રી વગેરેની જાણકારી મેળવતાં પોતાની પાસે કોઈ ડિગ્રી ન હોવાનું જણાવ્યું હતું. જેથી SOGની ટીમ દ્વારા સંજય દિનેશભાઈ ટીલાવતની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની પાસેથી દવાઓ તથા મેડિકલ પ્રેક્ટિસને લગતા સાધનો મળી રૂપિયા 5630ની માલમતા કબજે કરી લીધી છે, જ્યારે તેની સામે શેઠ વડાળા પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.