વડોદરા,હાઇવે ગોલ્ડન ચોકડી નજીક અજાણ્યા વાહનની ટક્કર વાગતા બાઇક લઇને નોકરી પર જતા આધેડને ગંભીર ઇજા થતા મોત થયું હતું. જ્યારે તરસાલી બ્રિજ પાસે બાઇક સ્લિપ થતા બે મિત્રો પૈકી એકનું મોત થયું છે.
મકરપુરા રોડ એરફોર્સ રોડ પર ઘનશ્યામનગરમાં રહેતો રાજેશ વખતસિંહ ઠાકોર મકરપુરા જી.આઇ.ડી.સી.ની કંપનીમાં નોકરી કરે છે.ગઇકાલે તેના મિત્ર શ્યામ યાદવ સાથે બાઇક લઇને ખટંબા ખાતે મિત્રને મળવા ગયા હતા.ત્યાંથી તેઓ શંકરપુરા ગામ ગયા હતા અને ત્યાં કામ પતાવીને બંને મિત્રો બાઇક લઇને ઘરે આવતા હતા. રાજેશ બાઇક ચલાવતો હતો જ્યારે શ્યામ યાદવ પાછળ બેઠો હતો.રાત્રે પોણા આઠ વાગ્યે અમદાવાદથી સુરત જતા તરસાલી બ્રિજ પહેલા સર્વિસ રોડ સામે એક વાહન દેખાતા ગભરાઇ ગયેલા રાજેશે બ્રેક મારતા બાઇક સ્લિપ થઇ ગઇ હતી. બંને મિત્રો રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. રાહદરીએ ફોન કરતા એમ્બ્યુલન્સ આવી જતા રાજેશને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યારે શ્યામ કુશેશ્વરભાઇ યાદવ, ઉં.વ.૫૫ ને ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું.
જ્યારે અન્ય એક બનાવમાં શહેર નજીકના અમલીયારા ગામ મોરલીધર મંદિર ફળિયામાં રહેતા ૪૫ વર્ષના નિમેશકુમાર રજનીકાંતભાઇ વૈદ્ય આજે સવારે બાઇક લઇને નોકરી જવા નીકળ્યા હતા. સવારે પોણા આઠ વાગ્યે અમદાવાદથી સુરત તરફ જતા હાઇવે પર ગોલ્ડન ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓનું સ્થળ પર જ મોત થયું હતું. જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


