વડોદરાના સન ફાર્મા રોડ વિસ્તારમાંથી 9.33 લાખના MD ડ્રગ્સ સાથે ભરૂચનો ખેપિયો પકડાયો
Vadodara MD Smuggling : વડોદરાના સન ફર્મા રોડ વિસ્તારમાંથી પોલીસે એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા ભરૂચના ખેપિયાને ઝડપી પાડ્યો છે.
સન ફાર્મા રોડ વિસ્તારમાં રિલાયન્સ મોલની પાછળ ગ્રાઉન્ડમાં એમડી ડ્રગ્સ ની ડિલિવરી થનાર હોવાની વિગતોને પગલે એસ.ઓ.જીની ટીમે વોચ રાખી હતી. પોલીસે પ્રેસ લખેલા સ્કૂટર સાથે સાદિક મહેબૂબ શેખ(સોનેરી મહલ, જાલીયા મસ્જિદ પાસે,ભરૂચ) ને તપાસતા તેની પાસેથી રૂ.9.33 લાખની કિંમતનું 93 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
પોલીસે તપાસ કરતા તેની પાસેથી એક મોબાઈલ તેમજ સ્થાનિક ન્યુઝ ચેનલના રિપોર્ટરનું આઈ કાર્ડ પણ મળ્યું હતું. પોલીસે સ્કૂટર સહિત દસ લાખ ઉપરાંતની મત્તા કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં સાદીકે ડ્રગ્સનો જથ્થો સુરતના રાંદેર ખાતે રહેતા ફારુક ગૌરી પાસેથી લીધો હોવાની અને વડોદરાના બોરવા વિસ્તારમાં સાગર મિસ્ત્રીને ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલી હતી. આ બંને જણા એક ખેપ મારવા માટે 3-3 હજાર રૂપિયા આપતા હોવાની પણ માહિતી મળી હતી. જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.