દ્વારકા: શિયાળાની સિઝનમાં શિવરાજપુર બીચ સોળે કળાએ ખીલ્યો, પ્રવાસીઓનો ધસારો, 2 વર્ષમાં 13 લાખ પ્રવાસીઓ ઉમટ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shivrajpur Beach in Dwarka : ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલો શિવરાજપુર દરિયાકિનારો આજે સ્થાનિક નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામીને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરી રહ્યો છે. 2020માં 'બ્લૂ ફ્લેગ બીચ'નું ગૌરવશાળી પ્રમાણપત્ર મેળવ્યા બાદ, આ બીચ પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.
પ્રવાસીઓની સંખ્યામાં વધારો
ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ(TCGL)ના તાજેતરના આંકડા મુજબ, શિવરાજપુર દરિયાકિનારાની લોકપ્રિયતામાં જબરજસ્ત વધારો જોવા મળ્યો છે. વર્ષ 2023માં 6,78,647 પ્રવાસીઓ ઉમટ્યા હતા, જ્યારે વર્ષ 2024માં 6,80,325 પ્રવાસીઓ આવ્યા હતા. આ રીતે, બે વર્ષમાં કુલ 13 લાખ 58 હજારથી વધુ પ્રવાસીઓએ શિવરાજપુરની મુલાકાત લીધી છે, જે સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને મોટું પ્રોત્સાહન આપી રહ્યું છે.

શિવરાજપુર બીચને મળી છે 'બ્લૂ ફ્લેગ' ઓળખ
શિવરાજપુર બીચને ઑક્ટોબર 2020માં ડેન્માર્ક સ્થિત ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (FEE) દ્વારા 'બ્લૂ ફ્લેગ' સર્ટિફિકેશન મળ્યું, જે તેને ગુજરાતનો પ્રથમ અને તે સમયે ભારતનો આંતરરાષ્ટ્રીય સ્તરનો બ્લૂ ફ્લેગ દરજ્જો ધરાવતો એક બીચ બનાવ્યો. આ સર્ટિફિકેટ 33 જેટલા કડક માપદંડોને આધીન છે, જેમાં પાણીની ગુણવત્તા, પર્યાવરણનું વ્યવસ્થાપન, સુરક્ષા અને સેવાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
સફેદ રેતી, અને ક્રિસ્ટલ ક્લિયર વાદળી પાણી
શિવરાજપુરની સફળતાનું મુખ્ય કારણ તેનું અદ્ભુત કુદરતી સૌંદર્ય છે. બીચ તેની સફેદ નરમ રેતી અને સ્વચ્છ વાદળી/આસમાની રંગના પાણી માટે જાણીતો છે, જે તેને ગોવા કે કેરળના બીચની હરોળમાં મૂકે છે. અહીંના સ્વચ્છ પાણીને કારણે પ્રવાસીઓ નસીબદાર હોય તો ડોલ્ફિન અને સુંદર દરિયાઈ જીવો જોઈ શકે છે.

પ્રવાસીઓ માટે એડવેન્ચર સુવિધાઓ
'બ્લૂ ફ્લેગ'ના માપદંડો હેઠળ સુરક્ષા સાથેની સુવિધાઓનો વિકાસ થતાં શિવરાજપુર એડવેન્ચર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું છે. શિવરાજપુર બીચ ગુજરાતનો એકમાત્ર બીચ છે જ્યાં પ્રવાસીઓ સ્કૂબા ડાઇવિંગનો આનંદ માણી શકે છે, જે રાજ્યના પ્રવાસન નકશા પર તેનું મહત્ત્વ વધારે છે. સ્કૂબા ડાઇવિંગ ઉપરાંત, અહીં સ્નોર્કલિંગ, પેરાસેલિંગ, બોટિંગ, હોર્સ રાઇડિંગ અને ઊંટ સવારી, સ્કિઇંગ અને અન્ય વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે.
એડવેન્ચર પ્રવૃત્તિઓ માટે કેવી રીતે બુકિંગ કરવાશો
મોટા ભાગની વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓનું બુકિંગ બીચ પર હાજર સરકાર માન્યતા પ્રાપ્ત ઑપરેટરોના કાઉન્ટર પરથી કરી શકાય છે. પ્રવાસીઓએ કાઉન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરાવી અને બુકિંગની રકમ ચૂકવવાની રહે છે. કેટલીક મોટી ટૂર અને ટ્રાવેલ એજન્સીઓ અથવા વોટર સ્પોર્ટ્સ કંપનીઓ દ્વારા તેમની વેબસાઇટ પર પ્રી-બુકિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે, ખાસ કરીને લાંબા સપ્તાહાંત (લોન્ગ વીકએન્ડ) અને તહેવારોના સમયમાં આ પદ્ધતિ અનુકૂળ રહે છે.

શિવરાજપુર બીચ કેવી રીતે પહોંચવું?
રોડ માર્ગે- શિવરાજપુર બીચ દ્વારકાથી માત્ર 12 કિલોમીટર દૂર છે. દ્વારકાથી પશ્ચિમ દિશામાં સરળ રોડ કનેક્ટિવિટી છે. તો દ્વારકા બસ સ્ટેશન/ટેક્સી સ્ટેન્ડથી સરળતાથી ઓટોરિક્ષા અથવા ખાનગી ટેક્સી ભાડે કરી શકાય છે.
રેલ માર્ગે- આ માટે દ્વારકા રેલ્વે સ્ટેશન (DWK) અહીંનું સૌથી નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે, જે દેશના મોટા શહેરો સાથે જોડાયેલું છે.
હવાઈ માર્ગે- જામનગર ઍરપોર્ટ (JGA) અહીંનું સૌથી નજીકનું ઍરપોર્ટ છે, જે લગભગ 135 કિલોમીટર દૂર છે. ઍરપોર્ટ પરથી દ્વારકા સુધી પહોંચવા માટે ટેક્સી સેવાઓ ઉપલબ્ધ છે.
પ્રવાસન સર્કિટ અને ધાર્મિક-પ્રવાસન સ્થળો સાથેનું સંકલન
શિવરાજપુર દ્વારકાથી માત્ર 12 કિલોમીટર દૂર સ્થિત હોવાથી તે ધાર્મિક પ્રવાસન અને મનોરંજન પ્રવાસનનું ઉત્તમ મિશ્રણ પૂરું પાડે છે. દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને રુકમણી દેવી મંદિરની મુલાકાત લેતાં શ્રદ્ધાળુઓ માટે શિવરાજપુર એક આકર્ષક 'સાઇટ-સીઇંગ' સ્થળ બની ગયું છે. આ સંકલન એક જ પ્રવાસી દીઠ ખર્ચ વધારવામાં મદદરૂપ થાય છે.

સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રોત્સાહન
પ્રવાસીઓની સંખ્યામાં થયેલો વધારો સ્થાનિક સમુદાય માટે સીધા આર્થિક લાભો લાવ્યો છે. બીચ પરના સ્ટોલ, ફૂડ વેન્ડર્સ, એડવેન્ચર સ્પોર્ટ્સ ઑપરેટર્સ, ટ્રાન્સપોર્ટ અને આસપાસની નાની હોટેલો/હોમસ્ટે દ્વારા સ્થાનિક રોજગારીનું સર્જન થયું છે.
આ પણ વાંચો: જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો, અકબર અઠવાડિયામાં બે દિવસ ખાતો
'દેખો અપના દેશ' પહેલમાં શિવરાજપુરનું યોગદાન
શિવરાજપુરની આ સફળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાન્યુઆરી 2020માં શરુ કરાયેલી રાષ્ટ્રવ્યાપી 'દેખો અપના દેશ' પહેલ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. આ પહેલનો ઉદ્દેશ્ય પાંચ મુખ્ય શ્રેણીઓ (આધ્યાત્મિક, સંસ્કૃતિ અને વારસો, પ્રકૃતિ અને વન્યજીવન, એડવેન્ચર અને અન્ય) હેઠળ સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાતના આર્થિક વિકાસમાં પ્રવાસન ક્ષેત્રનું યોગદાન વધારવા અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરાઈ રહ્યા છે. જે માટે રોકાણ આકર્ષવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનનલ કૉન્ફરન્સ(VGRC)નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે 8-9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે.
શિવરાજપુર બીચ માત્ર એક પર્યટન સ્થળ નથી, પરંતુ ગુજરાતની ક્ષમતા અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું એક જીવંત ઉદાહરણ છે.









