આંબરડીમાં ભસતા કૂતરાએ મોડી રાત્રે ઘરમાં ઘૂસેલા દીપડાને ભગાડી મૂક્યો
ખાંભાના ભાડ ગામે સિંહોની લટાર, બસસ્ટેન્ડ પાસે બળદનું મારણ : ચલાલા પાસે વાછરડાનું મારણ કરનારો દીપડો પાંજરે પૂરાઈ જતાં લોકોએ નિરાંતનો શ્વાસ લીધો
અમરેલી, સાવરકુંડલા, : વરસાદી વાતાવરણ દરમિયાન જંગલમાં મચ્છરોનો ત્રાસ વધી જતાં હિંસક પશુઓ જંગલ ત્યાગીને રેવન્યુ વિસ્તારમાં પહોંચી જાય છે. જિલ્લામાં રાની પશુઓને લગતી ત્રણ જુદી જુદી ઘટનાઓ બની છે.
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે શિવમંદિરના પૂજારીના ઘરમાં રાતના સમયે મોટી દીવાલ કૂદીને એક દીપડો આવી ચડયો હતો. આ દીપડો ફળિયામાં આંટા મારવા લાગ્યો હતો. એ જ વખતે એક શ્વાને જોર જોરથી ભસવાનું ચાલુ કરતા મોટા અવાજે ભસવાના અવાજ અને શ્વાની સતર્કતાને પામી જઈ દીપડો ગભરાઈને પળવારમાં જ નાસી છુટયો હતો. આ વખતે ઘરમાં પૂરાઈ રહેલા પૂજારી પરિવારે બહાર આવીને જોતા સીસીટીવી કેમેરામાં દીપડો ફળિયામાં આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. અને શ્વાનના ભસવાથી દીપડો નાસી છુટયો એ ફૂટેજ જોવા મળ્યા હતા. આથી પાલતુ શ્વાનના કારણે દીપડાની દૂર્ઘટના અટકી ગઈ હતી.
બીજી ઘટનામાં ધારી તાલુકાના ચલાલા મીઠાપુર રોડ પર આવેલા રમેશભાઈ વાઘાણીના રહેણાક મકાનના ફળિયામાં ઘુસીને બાંધેલા પશુઓ પર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. એ પછી વનવિભાગને જાણ કરવામાં આવતા વનતંત્રે દીપડાને પાંજરે પૂરી સફારી પાર્કમાં લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. ત્રીજી ઘટનામાં ખાંભાના ભાડ ગામના બસસ્ટેન્ડ નજીક બે સિંહોએ એક બળદનો શિકાર કર્યો હતો. તેમજ નિરાંતે મીજબાની માણી હતી. આ જ વખતે કોઈ સ્થાનિક નાગરિકે સમગ્ર બનાવને કેમેરામાં કેદ કરી લીધી હતી. જે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે.