રાયપુરમાં મહિલા પોલીસને વાળ પકડી નીચે પાડીને માર માર્યો
બંધ સાઇડમાં જતા રોકતા ટીઆરબી અને પોલીસ ઉપર હુમલો કર્યો
ટ્રાફિક પોલીસે મહિલા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ,મંગળવાર
રાયપુર ચાર રસ્તા પાસે ટીઆરબી જવાને બંધ સાઇડમાં જતા સ્કૂટર ચાલકને રોક્યો હતો. જેથી ટુ-વ્હીલર ચાલકે ઉશ્કેરાઇને ગાળો બોલીને ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર બાદ ટુ-વ્હીલર ચાલક અને એક મહિલા ચાલતા પરત આવીને મહિલા પોલીસ કોન્સ્ટેબલના વાળ પકડીને નીચે પાડીને માર મારતા હતા. ટુ-વ્હીલર ચાલકના સંબંધીએ આવીને મહિલા પોલીસ સહિત હાજર પોલીસકર્મી અને ટીઆરબી જવાનને ગાળો બોલીને મોબાઇલ ઝુંટવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે મહિલા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા પોલીસના શરીરે નખ મારી માર મારતા ટ્રાફિક પોલીસે મહિલા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતાં તૃપ્તીબેન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયપુર દરવાજા બહાર કંટોળીયાવાસમાં રહેતા મહિલા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૩૦ના રોજ તેઓ ટીઆરબી જવાન તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે રાયપુર ચાર રસ્તા ખાતે નોકરી પર હાજર હતા અને ટ્રાફિક નિયમન કરાવી રહ્યા હતા. ત્યારે રાતના સમયે ભૂતની આંબલી તરફથી એક સ્કૂટર ચાલક પાછળ એક મહિલાને બેસાડીને આવતો હતો. જો કે સાઇડ બંધ હોવાથી ટીઆરબી જવાને વાહન ચાલકને ઉભો રાખ્યો હતો. જેથી ટુ-વ્હીલર ચાલકે ગાળો બોલીને તકરાર કરી હતી.
જેથી ફરિયાદી મહિલા પોલીસ કર્મચારી ત્યાં જતા વાહન ચાલક ત્યાંથી નીકળી ગયો હતો. થોડીવારમાં ટુ-વ્હીલર ચાલક અને મહિલા ચાલતા પરત આવ્યા હતા અને મહિલા પોલીસને વાળ પકડીને માર મારવાનું શરૃ કર્યું હતું. અન્ય પોલીસકર્મીઓ દોડીને આવીને છોડાવવા વચ્ચે પડયા અને મામલો શાંત પાડયો હતો. આ દરમ્યાન ટુ-વ્હીલર ચાલકનો સંબંધી ત્યાં આવ્યો હતો અને મહિલા પોલીસકર્મી સહિત બધાને ગાળો બોલીને મારા બનેવી અને બહેનને ઉભા રાખશો તો સારૃ નહિ થાય તેવી ધમકીઓ આપવા લાગ્યા હતા અને મોબાઇલ ફોન ખેંચવાનો પણ પ્રયાસ કર્યો હતો.