અમદાવાદ, મંગળવાર
સરદાનગરમાં દારુની ભઠ્ઠી પકડાયા બાદ આજે ઓઢવમાં જૂની બોટલમાં નવો દારુ ભરવાના રેકેટનો પર્દાફાસ થયો છે. જેમાં બુટલેગર દંપતિ મોંઘી દાટ ઇગ્લીસ દારુની બોટલમાં સસ્તો દારુ ભરીને ઉંચા ભાવે વેચતા હતા. પોલીસે દરોડો પાડતાં બુટલેગર પતિ દિવાલ કૂદીને પોલીસને થાપ આપી ભાગી ગયો હતો પત્ની પણ ભાગવા મહિલા પોલીસે ઝડપી પાડી હતી. ઓઢવ પોલીસ પતિ-પત્ની સામે ગુનો નોંધીને વિદેશી દારુનો જથ્થો તથા દારુ ભરવાની બોટલો અને સ્ટીકર સહિત કુલ રૃા. ૨.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઓઢવ પોલીસે વિદેશી દારુ ભરવાની બોટલો સ્ટીકર અને દારુ ભરેલી બોટલો સહિત સવા બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ઓઢવ પોલીસે ચોક્કસ બાતમી આધારે આદિનાથ નગરમાં અરિહંત સોસાયટીમાં દરોડો પાડીને મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી. જો કે પોલીસને થાપ આપી બુટલેગર પતિ દિવાલ કૂદીને નાસી ગયો હતો. પોલીસે મહિલાને સાથે રાખીને મકાનમાં તપાસ કરતાં બાથરુમ ઉપરથી વિદેશી દારુ ભરેલી બોટલો મળી આવી હતી અને મોંઘી દાટ દારુની ખાલી બોટલો તથા બોટલ ઉપર લગાડવાના સ્ટીકરો પણ મળી આવ્યા હતા.


