સ્મીમેરમાંથી ઘરે પહોંચ્યાના થોડા સમયમાં 70 વર્ષના વૃધ્ધાનું મોત થતા હોબાળો
પુણા રોડના કોરોના પોઝિટિવ વૃધ્ધાની તબિયત સારી નહોતી તો રજા કેમ અપાઇ ? બેદરકારી દાખવ્યાનો આક્ષેપ
સુરતતા.18.જુલાઇ.2020 શનિવાર
મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોના સંક્રમિત પુણા રોડની વૃદ્ધાને ગઈકાલે સાંજે રજા આપતા ઘરે ગયા હતા. બાદમાં ત્યાં થોડા સમયમાં તેમનું મોત થયું હતું. જોકે સ્મીમેર હોસ્પિટલ તંત્રની બેદરકારીના આક્ષેપો સાથે તેમના પરિવાર સહિત લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણા રોડ પર રહેતા 70 વર્ષીય વૃદ્ધા તા.૧૩ જુલાઇએ તકલીફ થતા પરિવારને સ્મીમેરમાં દાખલ કર્યા હતા. બાદમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને શ્વાસમાં તકલીફ હોવાથી ઓક્સિજન પર રખાયા હતા. કાલે સાંજે તેમને રજા અપાતા બસમાં ઘરે પહોંચ્યા હતા. પણ થોડા સમય બાદ મોત થયું હતું. જેને પગલે પરિવાર અને સ્થાનિક લોકોએ હોબાળો મચાવી દીધો હતો.
મૃતકના પરિચિત વ્યક્તિએ કહ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો. કે તમારા દર્દીની તબીયત સારી હોવાથી રજા આપવામાં આવી છે. પણ ઘરે આવ્યા બાદ મોત થઇ ગયું હતું. જો તબિયત સારી નહોતી તો રજા શા માટે અપાઇ ? ડોકટરોએ ગંભીરતા દાખવ્યા વગર રજા આપી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. બીજી તરફ સ્મીમેરના અધિકારીએ કહ્યું કે, દર્દીને કોરોના ઉપરાંત હાઇપર ટેન્શન પણ હતું. તબિયત સુધર્યા બાદ તેમને ઓક્સિજન વગર તકલીફ પડી નહોતી. તેથી કાલે સાંજે રજા અપાઇ હતી. તેમને બસમાં ઘરે મુકવા ગયા હતા. સોસાયટીમાં બસ જઇ શકે તેમ ન હોવાથી ઘર નજીક ઉતાર્યા હતા. અને ટીમે દર્દીને પરિવારને સોંપ્યા હતા. ઘરે ગયા બાદ દુર્ભાગ્યવશ તેમનું મોત થયું હતું. તેની જાણ થતા તુરંત ફાયર બ્રિગેડની ગાડી મોકલી મૃતદેહ સ્મીમેર પર લાવીને બાદમાં અંતિમક્રિયા માટે મોકલાયો હતો. કોરોનાને કારણે કોમ્પ્લીકેશન થયા મૃત્યુ થયું હોવાની શક્યતા છે.