ઝાંઝરીયા ગામની સીમમાં 50 ફૂટ ઊંડા કૂવામાં 6 માસનું સિંહબાળ ખાબક્યું

વન વિભાગની રેસ્ક્યુ ટીમે કૂવામાં પાંજરૂ ઉતારી સિંહબાળને સલામત બહાર કાઢ્યું
સામતેર, : ગીરગઢડા પંથકના ઝાંઝરીયા ગામની સીમમાં એક વાડીના 50 ફૂટ ઉંડા કુવામાં 6 માસનું સિંહબાળ ખાબકી ગયું હતું. વન વિભાગની રેસ્ક્યુ ટીમે કુવામાં પાંજરૂ ઉતારી સિંહબાળને સલામત રીતે બહાર કાઢ્યું હતું.
ઝાંઝરીયા ગામની સીમમાં રવેસિંગભાઈ નારણભાઈ વાળાની વાડીમાં અંદાજે 50 ફૂટ ઉંડો કુવો આવેલો છે. ગત મોડી રાત્રીના કે વહેલી સવારના સમયે રસ્તો ભટકેલું છ માસનું સિંહબાળ આ ઉંડા કુવામાં ખાબકી ગયું હતું. આ અંગે વાડી માલિકે વન વિભાગને જાણ કરતા જશાધાર આરએફઓના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પાણી ભરેલા કુવામાં સિંહબાળ બહાર નીકળવા હવાતીયા મારી રહ્યું હતું અને માત્ર તેનું મોઢું જ પાણી બહાર દેખાતું હતું. રેસ્ક્યુ ટીમના કર્મીઓએ શરીરે દોરડા બાંધી જીવના જોખમે કુવામાં પાંજરા સાથે ઉતરી સિંહબાળને સલામત રીતે પાંજરામાં પુરીને બહાર કાઢી એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર માટે ખસેડયું હતું.








