જામનગરના મયુર નગર વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવકનું હૃદય થંભી જતાં અપમૃત્યુ
જામનગરના મયુર નગર વિસ્તારમાં વધુ એક યુવકને હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો છે. 26 વર્ષના યુવાનનું એકાએક બેશુદ્ધ બની ગયા બાદ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુર નગર શેરી નંબર -4 માં રહેતા ઇન્દ્રજીતસિંહ મહિપતસિંહ ચુડાસમા નામના 26 વર્ષના યુવકને ગઈકાલે પોતાના ઘેર એકાએક બેશુદ્ધ બની ગયા પછી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
પ્રાથમિક દ્રષ્ટિએ તેનું હૃદય થંભી જવાના કારણે મૃત્યુ થયાનું અનુમાન છે. જે બનાવ અંગે બળવંતસિંહ માધુભા ચુડાસમાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના એએસઆઈ ફિરોજભાઈ દલ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.