Get The App

રાજકોટમાં માત્ર 13 વર્ષની તરૂણીએ રૂા. 11 લાખના દાગીનાની ચોરી કરી

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટમાં માત્ર 13 વર્ષની તરૂણીએ રૂા. 11 લાખના દાગીનાની ચોરી કરી 1 - image

રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારની ઘટના : તરૂણીની સંડોવણી ખૂલતાં પોલીસ પણ ચોંકી ઊઠી : તમામ દાગીના કબજે

 રાજકોટ, : કોઠારીયા રોડ પરના સરદાર ચોક પાછળ સત્યમ પાર્ક શેરી નં. 2માં રહેતા અને સાબુનો ધંધો કરતા ઘનશ્યામભાઇ ડોબરીયા (ઉ.વ. 37)ના મકાનમાંથી રૂા. 10.80 લાખના દાગીનાની ચોરી થઇ હતી. આ ચોરી કોઇ રીઢા તસ્કરોએ નહીં પરંતુ 13 વર્ષની તરૂણીએ કર્યાનું બહાર આવ્યું છે. 

ગઇ તા. 1ના રોજ ઘનશ્યામભાઇ પોતાના કામધંધે હતા. પાછળથી ચારેક વાગ્યે તેના પત્ની પારૂલબેન પાડોશમાં બેસવા ગયા હતા. સાંજે 6 વાગ્યે પરત આવ્યા ત્યારે મકાનનો દરવાજો ખુલ્લો હતો. અંદર જોતા દિવાલનાં કબાટમાંથી પર્સ ગાયબ જોવા મળ્યું હતું. જેમાં સોનાનો હાર, મંગળસુત્ર, સોનાની બે બુટી, હાથમાં પહેરવાનો પોંચો, ટીકો સહિતનાં દાગીના હતા. જેથી આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.  જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી. જે દરમિયાન 13 વર્ષની તરૂણીએ જ ચોરી કર્યાનું જાણવા મળ્યું હતું. જેથી પૂછપરછ કરતાં ચોરી કબૂલી પણ લીધી હતી. એટલું જ નહીં ચોરી કરેલા 95.96 ગ્રામના સોનાના દાગીના જે છુપાવી રાખ્યા હતા તે કાઢી આપતા પોલીસે કબજે કર્યા હતા. તરૂણીના વાલીઓ પણ આ અંગે અજાણ હતા. 

જો કે પોલીસે તરૂણીએ ક્યાં કારણથી ચોરી કરી હતી તે બાબતે તેની પૂછપરછ કરવાનું ટાળ્યું છે. અગાશીમાંથી તરૂણીએ પ્રવેશ કરી ચોરી કરી હતી. બીજી તરફ જેના મકાનમાંથી ચોરી થઇ હતી તે પરિવારે તમામ સોનાના દાગીના મળી જતાં રાહતનો શ્વાસ લીધો છે.